આ ટેટૂ દર્દીને હાર્ટ એટેકની ચેતવણી આપશે

Friday 09th August 2019 06:57 EDT
 

ન્યૂ યોર્કઃ લોકો ફેશન માટે શરીરના વિવિધ ભાગ પર ટેટુ ચિતરાવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એવું ઇ ટેટુ વિકસાવ્યું છે, જે વ્યક્તિને હાર્ટ એટક અંગે ચેતવણી આપશે. સાથોસાથ હાર્ટ એટેક સંબંધિત તમામ પાસાંઓ પર પણ નજર રાખશે. આ અનોખા ઇ ટેટૂને અમેરિકાની ટેકસાસ યૂનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યું છે. જે ઇસીજી (ઇલેકટ્રો કાર્ડિયોગ્રામ) અને એસસીજી (સીજમો કાર્ડિયોગ્રાફી)ને સ્કેન કરીને વ્યક્તિના હૃદય અંગેનો ડેટા તૈયાર કરશે, જેનાથી તાત્કાલિક સારવાર માટે પણ મદદ મળશે.
ખૂબ જ પાતળા એવા આ ઇ ટેટૂને શરીર પર છાતીના ભાગ પર લગાવવામાં આવે છે જેમાં અત્યંત બારિક અને સરળતાથી ખેંચી શકાય તેવા સેન્સર લગાવેલા છે. આમ તો બજારમાં અનેક પ્રકારના ફિટનેસ ટ્રેકર મળે છે, પરંતુ તેની સરખામણીમાં આ વધુ ઉમદા પરિણામ આપે છે.
આ ઇ ટેટૂમાં ફિલામેંટ્રી સર્પેટાઇન પોલિવિનાયલ ફલોરાઇડનો ઉપયોગ કર્યો છે, જેનાથી તે તેનું વજન એકદમ ઓછું હોય છે. લાંબા સમય સુધી શરીર પર રાખી શકાય તેવા આ ટેટૂમાં થ્રી-ડી ડિજિટલ ઇમેજ માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. જેનાથી હૃદયના કયાં ભાગમાં અસામાન્ય વાઇબ્રેશન થઇ રહ્યું છે તે જાણી શકાય છે.
જાળા જેવા દેખાતા આ ટેટૂની લંબાઇ ૩૮.૧ મિમી અને પહોળાઇ ૬૩.૫ મિમી છે. આ ટેટૂને ચેસ્ટના ભાગ પર લગાવવાથી ખૂબ સારું પરિણામ મળે છે. તેને ચીપકાવતા પહેલા સેન્સરને સ્માર્ટફોન સાથે કનેકટ કરવામાં આવે છે. જોકે સંશોધકો ભવિષ્યમાં તેને વાયરલેસ સિસ્ટમથી ચાર્જ કરવાની ટેકનિક પર કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત નિષ્ણાતો ડીવાઇસના ડેટાને સ્ટોર કરવાની પ્રોસેસમાં પણ સુધારો લાવવા માંગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter