બોસ્ટન: કોરોના સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) દવા ઉપયોગી નથી એવા બે રિસર્ચ પેપર જગવિખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં થોડાક સમય પૂર્વે પ્રકાશિત થયા હતા. આ બન્ને મેડિકલ જર્નલ અતિ પ્રતિષ્ઠિત હોવાથી તેના પર ભરોસો રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈનની ટ્રાયલ બંધ કરી દીધી હતી. હવે બન્ને જર્નલે સ્વીકાર્યું છે કે તેણે પ્રકાશિત કરેલું સંશોધન સો ટકા ભરોસાપાત્ર નહોતું.
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં અનેક અહેવાલો એવા આવ્યા હતા કે આ દવા કોરોનાની સારવારમાં ઉપયોગી છે. આથી ‘હૂ’એ દાવાની યથાર્થતા ચકાવા માટે દવાના પરીક્ષણો શરૂ કરાવ્યા હતા. દુનિયાભરમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) નામ ગાજતું થઇ ગયું હતું. જોકે મે મહિનામાં આ બન્ને મેડિકલ જર્નલમાં દવાની ઉપયોગિતા સામે સવાલો ઉઠાવતું સંશોધન રજૂ થયા પછી તેનો પ્રયોગ બંધ કરી દેવાયો હતો. અને હવે આ બન્ને જર્નલે સ્વીકાર્યું છે કે તેમાં રજૂ થયેલુ સંશોધન ૧૦૦ ટકા ભરોસાપાત્ર ન હતું.
‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’ના આ એકરાર હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ફરીથી દવાની ટ્રાયલ શરૂ કરશે. મૂળભૂત રીતે મલેરિયા માટે વપરાતી આ દવા કોરોનામાં ઉપયોગી હોવાનું અમેરિકી પ્રમુખ સહિત ઘણા લોકો માને છે. જોકે હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજુ સુધી તેને સત્તાવાર દવા તરીકે માન્યતા આપી ન હતી. દરમિયાન મે મહિનામાં આ બન્ને જર્નલમાં રિસર્ચ રજૂ થયું હતું, જેમાં ૯૬ હજાર દર્દીઓનો ડેટા લેવાયો હતો. એ ડેટાના આધારે રિસર્ચ પેપરના લેખકોએ દાવો કર્યો હતો કે આ દવા કોરોના માટે ઉપયોગી નથી. જોકે હવે બન્ને જર્નલે સ્વીકાર્યું છે કે અમારું સંશોધન અમે પાછું ખેંચીએ છીએ અને એ માટે થયેલી ગરબડની માફી માંગીએ છીએ.
સંશોધકોમાં બે ભારતીય
બન્ને રિસર્ચ પેપરના વિવિધ લેખકોમાં બે ભારતીયો હતા - સપન દેસાઈ અને મનદીપ મહેરા. તેમણે આ દર્દીઓનો ડેટા ખાનગી હોસ્પિટલ પાસેથી લીધો હતો. એ રિસર્ચ પેપર રજૂ થયા પછી અનેક મેડિકલ નિષ્ણાતોએ જર્નલને પત્રો લખ્યા હતા કે આ સંશોધન પત્રમાં ગરબડ જણાય છે. આ પછી તપાસ હાથ ધરાતાં રિસર્ચનો આધાર જ ખોટો હોવાનું જણાયું હતું અને જે દર્દીઓનો ડેટા લેવાયો એ જ વિશ્વાસપાત્ર ન હોવાનું સાબિત થયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ ગરબડ સામે આવ્યા પછી હવે ફરીથી હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ)ની ટ્રાયલ એટલે કે પરીક્ષણ શરૂ કરાવશે. જો દવા કારગત જણાશે તો કોરોનામાં તેનો ઉપયોગ કરવા અંગે ફેર વિચારણા પણ કરશે.