આ દવાઓ કોફી સાથે લેવાથી નુકસાન થઈ શકે
અમેરિકન્સ સહિત મોટા ભાગના લોકોની સવાર ગરમાગરમ કોફી પીવા સાથે પડે છે. કોફી પીને લોકો સીધા બાથરૂમ તરફ દોડે છે. આ કોફીમાં રહેલા તત્વ કેફિનની સીધી અસર છે. અભ્યાસો કહે છે કે કોફીથી તમારું જઠર ઉત્તેજિત થાય છે અને ખોરાકને પાચનતંત્રમાંથી પસાર થવાનો જે સમય લાગે તેને બદલી નાખે છે. જોકે, સવારની કોફીનો કપ તમે રોજ સવારે જે દવાઓ લેતા હો તેને પણ પ્રતિક્રિયા થકી પ્રભાવિત કરે છે તેમજ તમારા લોહીમાં તેનું શોષણ કેટલી ઝડપે થાય તેને પણ બદલી નાખે છે. એટલે કે કોફી સાથે લેવાનારી દવાઓની કામગીરીને પણ અસર થાય છે. 2020માં સંશોધક જૂથે કોફી સાથે લેવાતી સંખ્યાબંધ દવાઓ વિશે સમીક્ષા કરી તારણો આપ્યા હતા કે કોફી ઘણી દવાઓનાં શોષણ, શરીરમાં પ્રસાર, મેટાબોલિઝમ અને શરીરની બહાર નીકળી જવા પર ગણનાપાત્ર અસર કરે છે. જોકે, કોફીના લીધે બધી દવાઓ પર અસર થતી નથી. આમ છતાં, કોફી સાથે દવાઓ લેવાનું ટાળવું જોઈએ અને સમય બદલી નાખવો જોઈએ. વ્યક્તિએ ખાસ કરીને થાઈરોઈડ, શરદી અથવા એલર્જીની સમસ્યા હોય તો તેની દવાઓ કોફી સાથે લેવી ન જોઈએ. આ ઉપરાંત, અલ્ઝાઈમર્સમાં કોફીના લીધે દવાની અસર અડધી થઈ જાય છે. અસ્થમા, ઓસ્ટીઓપોરોસિસ એટેલે કે હાડકાં બરડ થઈ જવાં, ડિપ્રેશનવિરોધી દવાઓ, સ્કીઝોફ્રેનિયા જેવી સમસ્યા માટે એન્ટિસાઈકોટિક દવાઓ પણ કોફી સાથે લેવી હિતાવહ નથી. હાઈપરટેન્શન કે લોહીના ઊંચા દબાણની સમસ્યા હોય ત્યારે પણ તેને કોફી સાથે ન લેવાય કારણકે કેફિનના કારણે આ દવાઓ શરીરમાં પૂરતાં પ્રમાણમાં શોષાતી નથી અને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો ઊંઘવા માટે મેલાટોનિન હોર્મોન સહિતની દવાઓ કોફી સાથે લેવાય તો ઊંઘ વેરણ બની જાય છે કારણકે કેફિન ઉત્તેજના અને જાગૃતિ લાવે છે.
•••
લાંબો સમય બેસી રહેવાથી વહેલાં મોતનું વધુ જોખમ
કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી રહેતી હોય તો તેના માટે વહેલા મોતનું જોખમ ઊંચું રહે છે. તેમાં પણ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે આવું જોખમ અનેકગણું વધી જાય છે. કામકાજ માટે બેસી રહેવું પડે તે સ્વાભાવિક છે પરંતુ, શારીરિક સક્રિયતા પણ રહેવી જોઈએ. કોલમ્બિયા યુનિવર્સિટીની મેઈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ‘ડાયાબિટીસ કેર’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર ટાઈપ ટુ ડાયાબિટીસ ધરાવતા લોકો સતત આઠ કલાક કે તેથી વધુ લાંબો સમય બેસી રહે અને પૂરતી કસરતો ન કરે તો તેના માટે વહેલાં મોતનું જોખમ 73 ટકા વધુ રહે છે. જે લોકો સપ્તાહે 150 મિનિટ મધ્યમથી કઠોર શારીરિક પ્રવૃત્તિ કરે છે તેમના માટે આ જોખમ રહેતું નથી. જોકે, ડાયાબિટીસ પેશન્ટ્સ આહારની કાળજી લે અને બ્લડ સુગર જાળવે તે મહત્ત્વ ધરાવે છે. લાંબો સમય બેસી રહેવાથી રક્તપ્રવાહમાં અને ખાસ તો શરીરના નીચલા હિસ્સામાં સમસ્યા સર્જાય છે જેથી બ્લડ ક્લોટ્સ થઈ શકે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિતની સમસ્યાનું કારણ બને છે. કસરતના અભાવથી ચરબીનું પ્રોસેસિંગ મંદ પડે છે, બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. બેસી રહેવું જરૂરી જ હોય તો
વચ્ચે વચ્ચે ઊભા થઈને થોડી કસરત કરી લેવી જેવી પ્રવૃત્તિ પણ કરી શકાય છે.
•••
એક બ્લડ ટેસ્ટથી 67 આરોગ્ય સમસ્યાની જાણકારી
શરીરની સમસ્યાનું નિદાન કરવા ડોક્ટર બ્લડ ટેસ્ટ્સ કરાવે તે સામાન્ય છે. આપણા લોહીમાં અનેક પ્રકારના પ્રોટિન્સ ફરતાં રહે છે અને તેનું વધતું-ઓછું પ્રમાણ બીમારીના નિદાનમાં મદદરૂપ નીવડે છે. જોકે, ઘણી સમસ્યા એવી હોય છે કે તેને ઓળખવા કયા બ્લડ ટેસ્ટ કરાવવા તેની જાણકારી નથી.
જોકે હવે સંશોધકોની ટીમે યુકેના બાયોબેન્ક ફાર્મા પ્રોટેઓમિક્સ પ્રોજેક્ટના ભાગ તરીકે 67 જેટલી આરોગ્ય સમસ્યાના નિદાનમાં મદદ થઈ શકે તેવા પ્રોટિન્સ ઓળખ્યા છે. નેચર મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે આનાથી મલ્ટિપલ માયેલોમા, નોન-હોજકિન લિમ્ફોમા, પલ્મોનરી ફાઈબ્રોસિસ અને મોટર ન્યૂરોન રોગ સહિતના ડીસિઝ આગામી 10 વર્ષમાં થશે કે નહિ તેની આગાહી વધુ ચોકસાઈપૂર્વક કરી શકાશે. નવી પ્રોટિન ડિટેક્શન ટેસ્ટ પદ્ધતિ અનુસાર બ્લડ પ્લાઝમામાં 5થી 20 પ્રોટિનની હાજરીથી 67 જેટલા રોગની આગાહી શક્ય બની હતી.