આ પાંચ સાવચેતી બચાવશે આર્થરાઇટિસથી

Wednesday 25th October 2023 08:45 EDT
 
 

વિજ્ઞાન માને છે કે, મોટાભાગના કિસ્સામાં આર્થરાઈટિસને સંપૂર્ણપણે મટાડી શકાતું નથી, પરંતુ તેને સારી રીતે કાબૂમાં જરૂર કરી શકાય છે. ખાસ કરીને જો સમયસર ઓળખ અને સારવાર કરાવાય તો. સોજાવાળા આર્થરાઈટિસને સારી રીતે મેનેજ કરી શકાય છે. વિજ્ઞાનીઓએ અત્યાર સુધી 100થી વધુ પ્રકારના આર્થરાઈટિસની ઓળખ કરી છે, જેમના જુદાં-જુદાં લક્ષણ અને નુકસાન છે, પરંતુ એ બધામાં ડીજનરેટિવ ઓસ્ટિયો આર્થરાઈટિસ એટલે કે સાંધામાં થતું નુકસાન અને ઈન્ફ્લેમેટરી આર્થરાઈટિસ સામાન્ય છે. તેનો સૌથી સામાન્ય પ્રકાર હ્યુમેટાઈડ આર્થરાઈટિસ છે. ભારતમાં અત્યારે લગભગ 21 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારના આર્થરાઈટિસથી પીડિત છે. આમાંથી લગભગ 22 ટકા વસતી ડીજનરેટિવ ઓસ્ટિયો આર્થરાઈટિસથી, પાંચથી છ ટકા ઇન્ફ્લેમેટરી આર્થરાઈટિસથી પીડિત છે. આર્થરાઈટિસને મુખ્યત્વે વૃદ્ધોની બીમારી માનવામાં આવે છે, જે ખોટું છે. આ બીમારી નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો દરેકને થઈ શકે છે. સારી ઊંઘ, દરરોજ 40 મિનિટ કસરત અને સંતુલિત ડાયેટ આર્થરાઈટિસમાં જરૂરી છે. અહીં રજૂ કરેલા પાંચ સાવચેતીને તમે ધ્યાનમાં રાખીને તમે પણ આર્થરાઇટિસને ટાળી શકો છો.

આર્થરાઈટિસ શા માટે થાય છે?

અત્યારે એક પણ પ્રકારના આર્થરાઈટિસનાં કારણો સંપૂર્ણ રીતે જાણી શકાયા નથી, પરંતુ મોટાભાગના આર્થરાઈટિસ ઈમ્યુન સિસ્ટમમાં ગરબડને કારણે થાય છે. તેમાં શરીર સાંધાના ટિશ્યુને નુકસાન પહોંચાડવા લાગે છે. કેટલાક પ્રકારના આર્થરાઈટિસ મેટાબોલિક કન્ડીશનને કારણે થઈ શકે છે.

આર્થરાઇટિસનું જોખમ કઇ રીતે ઘટાડી શકાય?
1) વજન સંતુલિત કરોઃ વધુ વજન આર્થરાઈટિસના મુખ્ય કારણમાંથી એક છે. જો નિર્ધારિત પ્રમાણથી તમારું વજન એક કિલો પણ વધુ છે તો ઓસ્ટિયો આર્થરાઈટિસથી પીડિત વ્યક્તિના ઘૂંટણ પર લગભગ પાંચ કિલો વજન વધુ આવે છે.
2) બ્લડ સુગર નિયંત્રિત રાખોઃ ઓસ્ટિયો આર્થરાઈટિસ અને બ્લડ સુગરને આંતરિક સંબંધ છે. સુગરને કારણે સાંધામાં સાઈટોકાઈન નામનું પ્રોટીન બને છે, જે સોજો અને દુઃખાવો પેદા કરે છે. આ સિવાય સુગરથી શરીરમાં હળવું ઈન્ગ્લામેશન પણ રહે છે.
3) ઇન્ફેક્શનને સંપૂર્ણ દૂર કરોઃ બેક્ટેરિયા અને વાઈરસથી માત્ર શરદી અને ખાંસી જ થતી નથી. કેટલાક કિટાણું એવા હોય છે જે સાંધાને પ્રભાવિત કરી શકે છે. તેમનાથી પણ આર્થરાઈટિસ થઈ શકે છે. ખાસ કરીને દાંત અને પેટમાં થતા ઇન્ફેક્શન (સંક્રમણ)થી તેનું જોખમ વધુ હોય છે. આને ઈન્ફેક્સિયસ આર્થરાઈટિસ કહે છે.
4) સાંધાને ઈજાથી બચાવોઃ ઉંમર વધવાની સાથે સાંધા પ્રભાવિત થાય છે, પરંતુ જ્યારે સાંધામાં ઈજા થાય છે તો સાંધાની વચ્ચેનું સુરક્ષા કવચ ઝડપથી ખરાબ થવા લાગે છે. આથી રમતગમત અને કસરત વગેરે કરતાં પહેલાં વોર્મઅપ જરૂર કરો.
5) તમાકુ - ધૂમ્રપાન ટાળોઃ સ્મોકિંગથી હ્યુમેટાઇડ આર્થરાઈટિસનું જોખમ વધે છે. હકીકતમાં તમાકુમાં રહેલા વિવિધ કેમિકલ શરીરમાં ઈન્ફ્લેમેશન વધારે છે. સાથે જ તે ઈમ્યુનિટીને ટ્રિગર કરે છે, જે સાંધાને નુકસાન પહોંચાડે છે. આર્થરાઈટિસ એક ઓટોઈમ્યુન બીમારી છે.

આર્થરાઇટિસ માટે જવાબદાર કેટલાંક કારણ
• જિનેટિક્સઃ જો પરિવારના સભ્યોને આર્થરાઇટિસ છે તો તેનું જોખમ વધુ રહે છે.
• ઇન્ફેક્શનઃ વાઇરલ ઇન્ફેક્શનથી સાંધાને નુકસાન પહોંચી શકે છે. તેનાથી પણ જોખમ વધે છે.
• જેન્ડરઃ ઓસ્ટિયો, હ્યુમેટાઇડ આર્થરાઇટિસ અને લ્યુપસ મહિલાઓમાં તથા ગાઉટ અને સ્પોન્ડિલો આર્થરાઇટિસ પુરુષોમાં વધુ થાય છે.
• ઓબેસિટીઃ વધુ વજનથી સાંધા પર દબાણ આવે છે. જેને લીધે ઓસ્ટિયો આર્થરાઇટિસનું જોખમ રહે છે.
• વિશેષ પ્રકારના કામઃ જે કામમાં વ્યક્તિના સાંધા પર વધુ પડતું દબાણ આવતું હોય જેમ કે આખો દિવસ ઊભા રહેવું વારંવાર એક જ પ્રકારની મૂવમેન્ટ વગેરેમાં ઓસ્ટિયો આર્થરાઇટિસનું જોખમ વધે છે.
• ધુમ્રપાન અને પ્રિઝર્વેટિવઃ તમાકુ. ધુમ્રપાન અને પ્રિઝર્વેટિવ ફૂડથી હ્યુમેટાઇડ આર્થરાઇટિસનું જોખમ વધે છે. કેમ કે તે ઇમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter