ડાયબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી બની રહી છે. ભારતને તો વિશ્વમાં ડાયબિટીસની રાજધાની માનવામાં આવે છે. ડાયાબિટીસ એ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી બીમારી છે. ડાયબિટીસને અંકુશમાં લેવા જીવનભર જીવનશૈલીને નિયંત્રિત કરવાની જરૂર છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ જો તમે પ્રિ-ડાયાબિટિક હોવ તો જીવનશૈલીમાં ફેરફાર કરવાથી તમને ટાઇપ-ટુ ડાયબિટીસમાં રાહત મળી શકે છે. ખરાબ જીવનશૈલીને બાદ કરતાં કેટલીક અન્ય બાબત પણ આ બીમારીનું જોખમ વધારી શકે છે. જેમ કે બ્લડ ગ્રૂપ.
તમારું બ્લડ ગ્રૂપ પણ ડાયાબિટીસ થવાનું એક મહત્ત્વનું કારણ છે. યુરોપિયન એસોસિએસનના જર્નલ ડાયબેટોલોગિયામાં પ્રકાશિત એક અહેવાલ કહે છે કે ‘ઓ’ બ્લડ ટાઇપના સ્થાને નોન-‘ઓ’ બ્લડ ટાઇપ ધરાવતા લોકોને ટાઇપ-ટુ ડાયબિટીસનો ખતરો વધુ રહે છે. આશરે ૮૦ હજાર મહિલાઓ પર થયેલા અભ્યાસમાં બ્લડ ગ્રૂપ અને ટાઇપ-ટુ ડાયબિટીસના જોખમ વચ્ચેના સંબંધ સંદર્ભે અભ્યાસ કરવામાં આવ્યો છે.
આમાંથી ૩૫૫૩ મહિલાઓમાં ટાઇપ-ટુ ડાયબિટીસના લક્ષણો જોવા મળ્યા હતા અને તે હકીકત પણ સામે આવી હતી કે નોન-‘ઓ’ ટાઇપ બ્લડ ધરાવતા લોકોમાં ડાયબિટીસનો ખતરો વધુ જોવા મળ્યો હતો. અભ્યાસમાં જણાવ્યા મુજબ ‘એ’ બ્લડ જૂથ ધરાવતી મહિલાઓના કિસ્સામાં ‘ઓ’ બ્લડ ગ્રૂપ ધરાવતી મહિલાઓની તુલનાએ ટાઇપ-૨ ડાયબિટીસ થવાનું જોખમ ૧૦ ટકા વધી જાય છે. જ્યારે ‘બી’ બ્લડ ટાઇપ ધરાવતી મહિલાઓના કિસ્સામાં ‘ઓ’ બ્લડ ગ્રૂપ ધરાવતી મહિલાઓની તુલનામાં ડાયબિટીસ થવાની સંભાવના ૨૧ ટકા વધી જાય છે.