આ રીતે દૂર કરો તણાવને...

સદાબહાર સ્વાસ્થ્ય

Tuesday 31st July 2018 08:46 EDT
 
 

ઓફિસ તેમજ ઘરના કામ પૂરા કરવામાં અને સામાજિક રીતરિવાજોને પૂરા કરવા માટે રોજ-બ-રોજનાં વાતાવરણનો સામનો કરવો એ આપણાં માટે સરળ છે, પરંતુ આપણે નક્કી કરેલા કામોની યાદીમાંથી દરેક કામને નિશ્ચિત સમયે પૂર્ણ કરવું તે આપણાં માટે થોડું અઘરું છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયાસ તમને આનંદ કરતાં સ્ટ્રેસ વધારે પહોંચાડે છે. આથી જ માનસિક તણાવનું નિયંત્રણ જરૂરી છે. જો તણાવને અંકુશમાં રાખશો તો તમે પણ ખુશ રહેશો અને તમારા સ્વજન પણ. જોકે અહીં લાખ પાઉન્ડનો સવાલ એ છે કે તણાવને અંકુશમાં રાખવો કઇ રીતે? આ રહ્યા તેના સરળ ઉપાય.

સકારાત્મકતા અંદર, નકારાત્મકતા બહાર

એ વાતમાં શંકાને ક્યાંય સ્થાન નથી કે ચિંતાને દૂર રાખવા માટે યોગ એ સૌથી અકસીર ઉપાય છે. યોગ ફક્ત તમારા શરીરને જ નહીં, પરંતુ તમારા મગજને પણ શાંતિ આપે છે. દરરોજ યોગાસન કરવાનું શક્ય ન હોય તો પણ શ્વાસોચ્છવાસની કસરત તો તમારી અનુકૂળતા પ્રમાણે કરી જ શકો છો. ઉંડા શ્વાસ લેવાની આ પ્રક્રિયામાં તમારે ફક્ત થોડીક જ મિનિટો ફાળવવાની છે, જેનાથી તમારું મગજ શાંત રહેશે.

ટ્રાય કરોઃ તણાવનાં કારણસર જો તમે તમારું કામ યોગ્ય રીતે ન કરી શકતા હો તો થોડોક સમય પગ વાળીને આરામથી તમારી જગ્યા પર બેસી જાઓ. આંખો બંધ કરીને તમારા શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપો. શ્વાસ લઈને એકથી ચાર સુધી ગણો. જ્યાં સુધી તમારાથી સહન થઈ શકે, ત્યાં સુધી તમે ધીરે ધીરે ગણતરી વધારી પણ શકો છો. જોકે તમારું ધ્યાન ભંગ ના થાય તેની કાળજી રાખવી. આવું કરવાથી તમને ચોક્કસ માનસિક રાહત મળશે.

• આલિંગન આપો

બધા લોકોને ભેટવું પસંદ હોય છે, આની પાછળ પણ એક કારણ છે. સામી વ્યક્તિને ભેટવું એ ઘણું જ ઉષ્મા પ્રદાન કરનારું છે. તે સહજતા અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. ઉષ્માપૂર્ણ રીતે ભેટવાથી ઓક્સિટોસિન રિલીઝ થાય છે કે જે તમને સંતોષ અને આનંદનો અનુભવ કરાવે છે. સામાન્ય રીતે ‘પ્રેમનો હોર્મોન’ નામથી ઓળખાતો ઓક્સિટોસિન ત્યારે રિલીઝ થાય છે જ્યારે લોકો સામાજિક રીતે એકબીજાને ભેટે છે.

ટ્રાય કરોઃ તમારા દિવસની શરૂઆત સૂર્યનાં તેજસ્વી કિરણોની જેમ કરો. ઓફિસ માટે નીકળતા પહેલા અથવા તો કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરવા જતા હોવ કે જેમાં ઘણાં સમયથી વિઘ્નો નડતા હોય ત્યારે તમારા મિત્ર કે તમારા પરિવારનાં કોઈ સભ્યને પ્રેમથી ભેટીને જવું. દિવસની સારી શરૂઆત થવાનો અર્થ એ છે કે તમારું દિવસ દરમિયાનનું અડધું કામ પતી ગયું.

• ગરમાગરમ ગ્લાસ તૈયાર કરો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિગ બેંગ થિયરી (એક અમેરિકન ટીવી શો)નો શેલ્ડન કપૂર કોઈ ઉદાસ થાય તો તેની સામે ગરમાગરમ પીણાંનો ગ્લાસ કેમ મૂકી દે છે? તેનું કારણ એ છે કે તે ખરેખર અસરકરક છે. જ્યારે તમે તણાવગ્રસ્ત હોવ છો ત્યારે એડ્રિનેલિન અને કોર્ટિસોલ તમારા લોહીમાં ભળી જાય છે. જેનાં કારણે તમારા ધબકારા વધી જાય છે અને તમે એકાગ્રતા નથી કેળવી શકતા. તેમજ તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે.

ટ્રાય કરોઃ ચામાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્ટ્રેસ હોર્મોન્સને આપણા શરીરમાંથી દૂર કરે છે અને આપણને ફ્રેશ બનાવે છે. તેથી જ્યારે આપણને કંટાળો આવતો હોય કે ઉંઘ આવતી હોય અને આપણે ચા પી લઈએ છીએ તો આપણો મૂડ ફ્રેશ થઈ જતો હોય છે. તેમજ ઉંઘ પણ ઉડી જતી હોય છે. તમે તમારા મગજને શાંત કરવા માટે લેમન, અશ્વગંધા, તુલસી અને જિન્સેંગ ટીનો પણ ઉપયોગ કરી શકો છો. બ્લેક ટી અને ગ્રીન ટી પણ અસરકારક છે, પરંતુ તમે હર્બલ ટીની પસંદગી કરશો તો તે વધારે ફાયદાકારક બનશે.

• હેડફોન્સ લગાવો

કેટલીક વાર મૂડ ચેન્જ કરવો બહુ જરૂરી હોય છે અને એવા સમયમાં સંગીત એ ખૂબ જ અકસીર છે. જો તમે ઘોંઘાટભર્યા વાતાવરણમાં કામ કરી રહ્યાં હો તો તેવામાં સંગીત સાંભળવાથી તમારું ધ્યાન કામમાં જળવાઈ રહેશે. આવા સમયમાં તમે જે ગીતો સાંભળો છો તે ગીતોમાં કેવા ગીતોની પસંદગી કરી છે તે ખૂબ મહત્ત્વનું છે.

ટ્રાય કરોઃ પ્રતિ મિનિટ ૬૦ બીટ્સ પર વાગતા ગીતો આપણાં મગજ સાથે તાલમેલ બેસાડી દેતા હોય છે. જેનાથી આલ્ફા બ્રેઇનવેવ્સ જન્મે છે. આલ્ફા બ્રેઇનવેવ્સ ત્યારે નીકળે છે જ્યારે કોઈ, શાંત અને રિલેક્સ્ડ માનસિક સ્થિતિમાં હોય છે. જોકે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે યોગ્ય પરિણામ મેળવવા માટે તમારે યોગ્ય અને પ્રમાણસર સંગીત સાંભળવાનું રહેશે. તમારે ફ્રેશ થવા માટે કે મૂડ સરખો કરવા માટે શાંત સંગીતવાળા ગીતો તેમજ તમારી પસંદનું સંગીત સાંભળવું.

• મનનો ઉભરો ઠાલવી દો

કોઈના પર ગુસ્સો ઠાલવી દેવાથી આપણા મનમાં રહેલો ભાર ઉતરી જાય છે અને આપણું મન એકદમ શાંત થઈ જાય છે. સંશોધકોએ સાબિત કર્યું છે કે ગાળાગાળી કરીને પોતાનો ગુસ્સો ઠાલવી દેવાથી પોતાનામાં રહેલું દુઃખ ઓછું થઈ જાય છે, સહનશક્તિ વધે છે અને તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકાય છે.

ટ્રાય કરોઃ જો તમારી પાસે પોતાનો ગુસ્સો ઠાલવવા માટે કોઈ ના હોય તો તમારી બડાશો હાંકતા રહો, તે પણ તણાવ ઘટાડવા માટેનો ઉત્તમ ઉપાય છે. તમારો ફોન ઉપાડો. તમારા બેસ્ટ ફ્રેન્ડને ફોન લગાવો અને તેની સમક્ષ તમારાં મનનો ઉભરો ઠાલવી દો. તમારો મિત્ર જરૂર તમને શાંતિથી સાંભળશે. તેને પણ સાંભળવામાં મજા આવશે અને અંતમાં તમને પણ ઘણું સારું ફીલ થશે.

પોતાને જ ટ્રીટ આપો

પ્રોટિયોમ રિસર્ચ જર્નલમાં જણાવ્યાં મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી સેરોટોનિન અને એંડોર્ફિન બને છે જેનાથી કાર્ટિસોલનું પ્રમાણ ઘટે છે. જો આપણે ૭૦ ટકા કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટ ખાઈએ તો તેમાં ફ્લેવોનોઇડ્ઝ અને એન્ટીઓક્સિડેંટ્સ હશે, જે ચાનો એક મહત્ત્વનો ભાગ છે.

ટ્રાય કરોઃ ડાર્ક ચોકલેટ બાર તમારા ડેસ્ક અથવા બેગમાં રાખો. ડાર્ક ચોકલેટ તમારી ભૂખને મારી નાખશે અને જરૂર કરતાં વધારે ખાવાની સમસ્યાને પણ દૂર કરશે. જો તમે ચિંતામાં અને તણાવમાં વધારે જમી લીધું હોય તો ડાર્ક ચોકલેટ ગ્રેનોલા બાર પસંદ કરો. તે સ્વાસ્થ્ય માટે સારું છે જ પણ તે ઉપરાંત તમને કોકોનો સારો સ્વાદ પણ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter