લંડનઃ માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં ભારતવંશી ૭૦ વર્ષના વિનોદ બજાજ હવે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા તત્પર બન્યા છે. આનું કારણ એ છે કે વિનોદ બજાજે ૧૪૯૬ દિવસમાં ચાલીને ૪૦,૦૭૫ કિલોમીટરથી વધુ (૫૪,૬૩૩,૧૩૫ પગલાં)નું અંતર કાપી નાંખ્યું છે, જે આપણી પૃથ્વીના પરિઘ જેટલું થવા જાય છે.
આ સિદ્ધિ વિશ્વવિક્રમના ચોપડે ચઢાવવાની પ્રક્રિયા તો હાલ જારી છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે આ ગાળામાં વિનોદભાઇએ લિમેરિક સિટીની બહાર પગ પણ મૂક્યો નથી. પંજાબમાં જન્મેલા બજાજે તેમની આ ‘પગયાત્રા’ને અર્થવોક નામ આપ્યું છે જે, ૨૧ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ છે.
ભારતવંશી આઇરિશ નાગરિક વિનોદ બજાજે ૨૦૧૬માં વજન ઘટાડવાના ઈરાદાથી વોકિંગ શરૂ કર્યું હતું. તેઓ કહે છે કે, ‘આરંભના ત્રણ મહિનામાં દરરોજ મેં ૭૦૦ કેલરી બાળવા સાથે આઠ કિલો વજન ઉતાર્યું હતું. આના કારણે મને વધારે ચાલવાનું જોશ ચઢ્યું હતું. જેમ જેમ ચાલતો ગયો તેમ મારો ઉત્સાહ વધતો ગયો.’ ૭૦ વર્ષના નિવૃત્ત એન્જિનિયર વિનોદ બજાજે આરંભના છ માસમાં ખોરાકમાં કોઈ જ ફેરફાર કર્યા વિના ૧૨ કિલો વજન ઉતાર્યું હતું.
વિનોદ બજાજે પહેલા વર્ષના અંત સુધીમાં ૭,૬૦૦ કિલોમીટરનું અંતર પૂરું કર્યું ત્યારે તેમને આયર્લેન્ડથી ભારત સુધીની યાત્રા પૂરી કરી લીધી હોવાનો વિચાર આવ્યો હતો. આ પછી, બીજા વર્ષના અંતે ૧૫,૨૦૦ કિલોમીટરનું અંતર કપાયું ત્યારે તેમણે ચંદ્રની પરિક્રમા (૧૦,૯૨૧ કિ.મી.) કરી લીધી હોય એટલું અંતર પૂરુ કર્યું હતું. હવે તેમનો ઉત્સાહ વધ્યો હતો અને તેમણે મંગળના પરિઘ (૨૧,૩૪૪ કિ.મી.) જેટલું અંતર કાપવાનો નિર્ણય કર્યો હતો.
આઇરિશ નાગરિકત્વ ધરાવતા વિનોદ બજાજ કહે છે કે, ‘હું આ ૧૫૦૦ દિવસમાં હોમ સિટી લિમેરિકની બહાર ગયા વિના વિવિધ માર્ગોએ ૫૪,૬૩૩,૧૩૫ ડગલા ચાલી ગયો હતો. જેને મેં અર્થવોક નામ આપ્યું હતું. ધરતીના પરિઘની બરાબર ચાલ્યો હોવા છતાં હું શહેરની બહાર ગયો નથી. વાતાવરણ બદલે ત્યારે હું મોલમાં રોકાઈ જતો હતો. મેં આ અર્થવોકના રેકોર્ડ માટે ગિનેસ બુકમાં નામ નોંધાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.’
વિનોદ બજાજે તેમની આ અર્થવોકમાં ૧૨ જોડી જૂતાં ઘસી નાખ્યા છે! તેઓ વહેલી સવારથી ચાલવા નીકળી પડતા અને બે ટુકડામાં ચાલતા રહેતા હતા. આ સાથે તેઓ ઘર અને બેન્ક, શોપિંગ તેમજ ગાર્ડનિંગ પણ કરતા રહેતા હતા અને શરીરની એનર્જી ટકાવી રાખવા ખોરાકમાં સૂકામેવા અને કેળાં નિયમિત લેતા હતા. તેમણે પોતે કેટલાં પગલાં ચાલ્યા તેનો રેકોર્ડ રાખવા સ્માર્ટફોનમાં પેસર એક્ટિવિટી ટ્રેકર એપ પણ ડાઉનલોડ કરી હતી.
બિઝનેસ કન્સલ્ટન્ટ વિનોદ બજાજનો ઉછેર ચેન્નાઈમાં થયો હતો અને ૧૯૭૫માં સ્કોટલેન્ડના ગ્લાસગોથી મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી મેળવી હતી.
આ પછી, ૪૩ વર્ષ અગાઉ, કામકાજ નિમિત્તે તેઓ રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં આવ્યા અને અહીં જ વસી ગયા. તેઓ ૩૬ વર્ષથી પરિવાર સાથે લિમેરિકના સબર્બ કેસલટ્રોયમાં રહે છે.