આંખના સામાન્ય પરીક્ષણોથી
સ્ટ્રોકના જોખમની આગાહ
સ્ટ્રોક વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે અને દર વર્ષે આશરે 6.7 મિલિયન લોકો સ્ટ્રોકથી મોતને ભેટે છે. કોઈ વ્યક્તિના સ્ટ્રોકના જોખમને જાણવા રક્ત પરીક્ષણ, અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ કે MRIજેવી પ્રોસીજર્સ ઉપયોગમાં લેવાય છે જે સામાન્યપણે ભારે ખર્ચાળ, વધુ સમય લેનારી અને વાઢકાપ સાથેની હોઈ શકે છે. જો ડોક્ટર્સ આંખની તપાસ કરીને જ આવા જોખમની આગાહી કરી શકે તો કેવું? મેલબોર્નમાં સેન્ટર ફોર આઈ રિસર્ચ ઓસ્ટ્રેલિયા (CERA)ના અભ્યાસમાં જણાવાયું છે કે આંખના સામાન્ય પરીક્ષણો પણ વ્યક્તિને સ્ટ્રોક આવવાના જોખમની ચોકસાઈપૂર્વક આગાહી કરી શકે છે. આંખના ડોળાની પાછળના હિસ્સા (ફંડસ-fundus) માં ‘ફિંગરપ્રિન્ટ’ તરીકે ઓળખાવાયેલી રક્તવાહિનીનો ઉપયોગ સ્ટ્રોકના જોખમની આગાહી કરવામાં થઈ શકે છે. આ ફિંગરપ્રિન્ટમાં વાસ્ક્યુલર આરોગ્યના 118 ઈન્ડિકેટર્સ સમાયેલા છે અને આંખના સામાન્ય પરીક્ષણમાં ઉપયોગમાં લેવાતાં સાધન ફંડસ ફોટોગ્રાફી મારફતે તેનું વિશ્લેષણ થઈ શકે છે. સંશોધકોએ યુકેમાં 55 વર્ષની સરેરાશ વય ધરાવતા 45461 લોકોની આંખોની ફંડસ તસવીરોનું વિશ્લેષણ કરવા રેટિના આધારિત માઈક્રોવાસ્ક્યુલર હેલ્થ એસેસમેન્ટ સિસ્ટમ નામના મશીન લર્નિંગ સાધનનો ઉપયોગ કર્યો હતો. 12.5 વર્ષના સરેરાશ દેખરેખના ગાળામાં 749 લોકોને સ્ટ્રોક આવ્યો હતો. સંશોધકોએ 118 ઈન્ડિકેટર્સમાંથી 29ની ઓળખ સ્ટ્રોકના પ્રથમ વખતના જોખમ સાથે નોંધપાત્રપણે સંકળાયેલા ઈન્ડિકેટર્સ તરીકે કરી હતી. આ 29 ઈન્ડિકેટર્સમાંથી 17 વાસ્ક્યુલર ડેન્સિટી સાથે સંકળાયેલા હતા. રેટિના અને બ્રેઈનમાં ઓછી ડેન્સિટી સ્ટ્રોકના વધતા જોખમ સાથે સંકળાયેલી છે. અભ્યાસ મુજબ ડેન્સિટી ઈન્ડિકેટર્સમાં દરેક ફેરફાર થકી સ્ટ્રોકના જોખમમાં 10થી 19 ટકા જેટલા વધારો થઈ શકે છે.
આખા શરીરમાં રેટિના ઘણા ઓછાં અવયવોમાં એક છે જ્યાં રક્તવાહિનીઓની તપાસ સીધી અને વાઢકાપ વિના કરી શકાય છે.
•••
પુરુષની જાતિ નિર્ધારિત કરતા
Y ક્રોમોસોમ્સ અદૃશ્ય થઈ રહ્યા છે
માનવીઓમાં બાળક પુરુષ હશે કે સ્ત્રી તેનું જાતિનિર્ધારણY ક્રોમોસોમ્સ કે રંગસૂત્રો કરે છે એટલે કે સ્ત્રીના Xક્રોમોસોમના સંસર્ગમાં Y ક્રોમોસોમ આવે તો બાળકની જાતિ પુરુષ થાય છે. આ Y ક્રોમોસોમ્સ ધીરે ધીરે અદૃશ્ય થઈ રહ્યા છે અને નવા જાતિનિર્ધારક ક્રોમોસોમ કે રંગસૂત્ર અસ્તિત્વમાં નહિ આવે તો માનવીના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે. પરંતુ, ઊંદરો પરના પ્રયોગોમાં આશાનું કિરણ જોવાં મળ્યું છે. પૂર્વ યુરોપ અને જાપાનમાં કેટલાક પ્રકારના ઊંદરોમાં Y ક્રોમોસોમ્સ લુપ્ત થઈ ગયા પછી પણ અસ્તિત્વ જાળવવાના વૈકલ્પિક માર્ગ તેમણે શોધી લીધા હતા. Y રંગસૂત્રોમાં SRY જનીન હોય છે જે માનવીય ભ્રૂણમાં પુરુષના વિકાસની શરૂઆત કરે છે. જોકે, કરોડો વર્ષ વીતી ગયા પછી Y રંગસૂત્રો તેના જનીનો ગુમાવી રહ્યા છે
જો આ ટ્રેન્ડ ચાલતો રહે તો આગામી લગભગ 11 મિલિયન વર્ષમાં તેના બાકીના 55 જનીનોનું પણ અસ્તિત્વ ન રહેવાનું જોખમ છે. ઉપરોક્ત ઊંદરોએ તેમના Y ક્રોમોસોમ્સ ગુમાવી દીધા પછી પણ તેમણે પ્રજનન જાળવી રાખ્યું હતું. ઊંદરોએ SRY જનીનની જગ્યાએ નવા જાતિનિર્ધારક જનીન મેળવ્યા હોવાનું સંશોધકોએ ઓળખી કાઢ્યું છે. માનવીઓમાં પણ નવા જાતિનિર્ધારક જનીન આવી શકે છે પરંતુ, ઉત્ક્રાંતિની આ પ્રક્રિયામાં જોખમ પણ છે કે અલગ અલગ વસ્તીઓમાં અલગ અલગ જાતિનિર્ધારક સિસ્ટ્મ્સ આવી જાય તો નવી માનવજાતિઓ પણ સર્જાઈ શકે છે.