આંતરડાં શરીરનું ‘બીજું મગજ’ તેમાં ગરબડથી હૃદયરોગ અને ડાયાબિટીસનો ખતરો

Wednesday 30th October 2024 06:07 EDT
 
 

આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને છે. મૂડને નિયંત્રિત કરતા સેરોટોનિન હોર્મોનનો લગભગ 95 ટકા હિસ્સો આંતરડાંમાં જ બને છે. મોટી સંખ્યામાં નર્વ કોશિકાઓ આંતરડાંમાં જોવા મળે છે, જેનો મસ્તિષ્ક સાથે સીધો સંબંધ હોય છે. એટલે તબીબી નિષ્ણાતો આંતરડાને ‘સેકન્ડ બ્રેઇન’ તરીકે પણ ઓળખાવે છે. જેમ કે, કબજિયાત જેવી સમસ્યા થતાં લોકોને કાયમ આળસનો અનુભવ થાય છે. મગજ સારી રીતે કામ કરતું નથી. અને વ્યક્તિ કબજિયાત દૂર કરવા અંગે જ વિચારતી રહે છે.
જોકે આ તો એક વાત થઇ, પણ આંતરડાં સારી રીતે કામ ન કરવાથી કે તેના નાદુરસ્ત હોવાથી હૃદયરોગ અને ડાયાબિટિસ જેવી ગંભીર બીમારીઓ થવાની આશંકા પણ વધી જાય છે. લાંબા સમય સુધી તેનાથી પીડિત રહેતા લોકોને માનસિક બીમારી પણ થઈ શકે છે.
ઓટોઈમ્યુન બીમારી આંતરડાંની ગરબડનો સંકેત
ડાયેટ અથવા કસરત રૂટીનમાં પરિવર્તન કર્યા વગર અચાનક વજન વધું કે ઘટવું આંતરડામાં ગરબડનો મુખ્ય સંકેત છે. તેના ઉપરાંત ખરાબ પાચન, ઊંઘમાં ગરબડ, વધુ ગળ્યું ખાવાની ઈચ્છા પણ એક સંકેત છે. ઓટોઈમ્યુન બીમારીઓના મુખ્ય કારણોમાંથી એક કારણ આંતરડામાં ગરબડ પણ છે.
આંતરડાંમાં સોજો તો... સાંધાની સમસ્યા, હૃદયરોગનું જોખમ વધુ
આંતરડાંમાં સોજો પેદા કરતી કોશિકાઓ કેટલાક એવાં તત્ત્વોનું ઉત્પાદન કરે છે, જે શરીરના કોઈ પણ ભાગમાં સોજો પેદા કરી શકે છે. આથી જ આંતરડાંમાં સમસ્યાથી સોજાની બીમારીનું જોખમ વધુ હોય છે. આ તત્ત્વ હૃદયના સમગ્ર તંત્રને પ્રભાવિત કરી શકે છે. તો સમસ્યાથી બચવું કઇ રીતે? તાજાં શાકભાજી અને ફળ ભોજનમાં સામેલ કરો. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આંતરડાંનો સોજો ઘટાડે છે. આઠ કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ આંતરડાંની કાર્યપદ્ધતિ સુધારે છે, જે સોજામાં રાહત આપે છે.
આંતરડાં સ્વચ્છ ન રહેવા... ડાયાબિટીસ સહિત બીજી બીમારીઓનું જોખમ
તંદુરસ્ત આંતરડાંમાં લાખોની સંખ્યામાં સારા બેક્ટેરિયા, વાઈરસ વગેરે રહે છે. જેને ગટ માઈક્રોબાયોમ કહે છે. આંતરડાં જ્યારે સ્વચ્છ રહેતા નથી તો તેમનું સંતુલન બગડે છે, જેનાથી ડાયાબિટીસ, બાળપણમાં અસ્થમા સહિત બીમારીઓનું જોખમ વધે છે. આ ખતરો ટાળવા માટે શું કરવું જોઇએ? કસરત કરો. કસરત આંતરડાંને ફાયદો પહોંચાડતા બેક્ટેરિયા, ફંગસ વગેરેની સંખ્યા અને પ્રકારમાં વૃદ્ધિ કરે છે. ખાસ કરીને શરીરને વળાંક આપતી (ટ્વિસ્ટીંગ) કસરતથી વધુ ફાયદો થાય છે.
બાઉલ સિન્ડ્રોમ છે તો... માનસિક રોગ, ડિપ્રેશનની આશંકા બમણી
આપણા શરીરમાં નર્વ મસ્તિષ્કમાં થઈને પાચનતંત્રમાંથી પસાર થાય છે. મગજ અને આંતરડાંની વચ્ચે સૂચનાનું આદાન-પ્રદાન તેના દ્વારા જ થાય છે. જેને ગટ બ્રેઇન એક્સેસ કહે છે. જે દુખાવાની સંવેદનશીલતા અને ઈમ્યુનિટી સુધીને પ્રભાવિત કરે છે. આંતરડાંમાં ગરબડથી આ સંચાર પ્રભાવિત થાય છે. બાઉલ સિન્ડ્રોમથી (વધુ પડતો ગેસ બનવો) પીડિતોમાં માનસિક રોગ અને ડિપ્રેશનની આશંકા બમણી જોવા મળી છે.
આ સમસ્યાથી બચવા માટે કેવા ઉપાય કરવા જોઇએ? દહીં, ઢોકળા, ઢોંસા, ઈડલી જેવા આથો લાવેલા (ફર્મેન્ટેડ) ફૂડનો ભોજનમાં સમાવેશ કરો. આ પ્રકારનું ભોજન ગટ બ્રેઇન એક્સેસ માટે ફાયદાકારક હોય છે. આ ઉપરાંત ધ્યાન, યોગ અને સ્લો બ્રિધિંગ જેવી ટેક્નિકનો ઉપયોગ કરીને તેને વધુ સક્રિય કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter