નવી દિલ્હી: અત્યાર સુધીમાં કરાયેલા આ પ્રકારના તમામ સંશોધનમાં સૌથી મોટા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોરોના મહામારીનો ભોગ બનેલા દર્દીઓને શરૂઆતના મહિનાઓમાં આઈસીયુમાં દાખલ કરાતા તેમનામાં ચિત્તભ્રમની અને કોમાની સ્થિતિ જેમને અન્ય બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેમના કરતાં વધુ ખરાબ હોય છે. લાન્સેટ રેસ્પિરેટર મેડિસીન જર્નલમાં પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસમાં ૧૪ દેશોના ૬૯ આઈસીયુમાં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના ૨૦૦૦ કરતાં વધુ દર્દીઓને આવરી લેવાયા હતા. આ દર્દીઓ એવા હતા જેમને ૨૮ એપ્રિલ ૨૦૨૦ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમેરિકાની વાન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોના નેતૃત્વની ટીમ અનુસાર, પેઇનકિલર દવાઓની પસંદગી અને પરિવારના સભ્યોની મુલાકાત પર પ્રતિબંધના કારણે આવા દર્દીઓમાં મગજના દુખાવામાં વધારો થયો હતો.
સંશોધકોના કહેવા પ્રમાણે, આઇસીયુમાં દાખલ દર્દીની સારવાર સાથે ચિત્તભ્રમની સમસ્યા, ઊંચો સારવાર ખર્ચ અને મૃત્યુનું વધુ જોખમ જેવા પરિબળો સંકળાયેલા હોય છે. સારવારના શરૂઆતના તબક્કામાં ૮૨ ટકા દર્દીઓ લગભગ દસ દિવસ સુધી વધુ ઊંઘ લેતા જણાયા હતા.
વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે મજગની અત્યંત ખરાબ સ્થિતિ સરેરાશ ૧૨ દિવસ રહી હતી જે નોન-કોવિડ દર્દીઓની સરખામણીએ બમણી હતી. વૈજ્ઞાનિકો માને છે કે કોવિડ-૧૯ના દર્દી અત્યંત વધારે ખરાબ સ્થિતિનો બોજ વધુ સહન કરે છે.