વોશિંગ્ટન: વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસનું જોખમ પુખ્તોમાંથી બાળકોમાં શિફ્ટ થવાનો ભય છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ (SARS-CoV-2) આગામી કેટલાક વર્ષોમાં અન્ય સામાન્ય શરદીવાળા કોરોના વાઇરસની માફક વ્યવહાર કરી શકે છે. આ વાઇરસ મોટાભાગે એવા નાના બાળકોને પ્રભાવિત કરશે કે જેમણે વેક્સિન લીધી નહીં હોય. નોંધનીય છે કે હાલમાં હજુ સુધી નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ ગંભીર બનવાના કેસ સામે આવ્યા નથી અને હજુ બાળકોને કોરોનાની વેક્સિન પણ આપવામાં આવતી નથી. આ અભ્યાસમાં જણાવાયું છે કે બાળકોમાં કોવિડ-૧૯નો ભય સામાન્ય રીતે ઓછો હોય છે તેથી વૈશ્વિક સ્તર પર આ બીમારીનો બોજ ઓછો રહેવાની આશા છે.
નોર્વેમાં ઓસ્લો યુનિર્વિસટીના ઓટાર બ્યોર્નસ્ટેડે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણ બાદ ઝડપથી ગંભીર પરિણામો અને વય વધવાની સાથે તેનો વધારે ઘાતક બનવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે. તેમ છતાં અમારા મોડેલિંગ પરિણામો દર્શાવે છે કે સંક્રમણનો ભય હવે પુખ્તો તરફથી બાળકો તરફ શિફ્ટ થશે. એવું એટલા માટે થઇ રહ્યું છે કે પુખ્ત વ્યક્તિઓએ વેક્સિન લઇ લીધી છે અથવા તો પછી વાઇરસના સંપર્કમાં આવીને પોતાની અંદર વાઇરસ સામે એન્ટિબોડી તૈયાર કરી લીધી છે. બ્યોર્નસ્ટેડ અનુસાર શ્વસન રોગોના ઐતિહાસિક રેકોર્ડથી સંકેત મળે છે કે વર્જિન એપેડેમિક દરમિયાન દર્દીની વય ઘટવાની સાથે સંક્રમણ વધવાની પેટર્ન સ્થાનીય સંક્રમણથી અલગ હોઇ શકે છે.