લંડનઃ સામાન્ય રીતે ૫૦થી ૬૦ વર્ષની વચ્ચે ટાઈપ-૨ ડાયાબિટીસનું નિદાન થતું હોય છે પરંતુ, તેની શરુઆત તો ઘણા વર્ષો અગાઉ થઈ હોય છે. આઠ વર્ષની વયના નાના બાળકો પણ ડાયાબિટીસના જોખમના લક્ષણો બતાવી શકે છે. ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર નિષ્ણાતોએ દીર્ઘકાલીન આરોગ્ય અભ્યાસમાં આશરે ૪,૦૦૦થી વધુ બાળકો પર અભ્યાસ કર્યો હતો.
આરોગ્ય નિષ્ણાતોને બાળકોમાં આઠ વર્ષની વયે ‘સારા’ કોલેસ્ટરોલ લેવલ્સમાં બદલાવના સંકેતો જોવાં મળ્યા હતા. આ પછી, મધ્ય કિશોરાવસ્થામાં સોજા-ઈન્ફ્લેમેશન અને એમિનો એસિડના બદલાવ આવ્યા હતા. આ તારણો પરથી ડાયાબિટીસનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ મળશે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સંશોધક ડો. જોશુઆ બેલના જણાવ્યા અનુસાર આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ રાતોરાત આવતો નથી. આ રોગના લક્ષણોના શરુઆત જીવનના કયા તબક્કે જોવા મળે છે તેમજ તેની પ્રારંભિક નિશાનીઓ શું હોય તે જાણતા નથી. ડાયાબિટીસ મોટી ઊંમરે દેખા દેતો હોય છે પરંતુ, તેના મૂળ નાની વયે જોવાં મળે છે.
ડો. બેલ અને સાથી નિષ્ણાતોએ ૧૯૯૧-૯૨ના ગાળામાં ૧૪,૦૦૦થી વધુ સગર્ભાને રીક્રુટ કરી હતી અને તેમાંથી ૪,૦૦૦થી વધુ બાળકોનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યો હતો. આ ટીમે બાળકોનાં ૮,૧૬,૧૮ અને ૨૫ વર્ષની વયે લેવાંયેલાં બ્લડ સેમ્પલ્સનું જિનેટિક એનાલિસીસ કરી ટાઈપ-૨ ડાયાબિટીસના વિકાસની ચોક્કસ પેટર્નની શોધ આદરી હતી. અભ્યાસ હેઠળના બાળકો ડાયાબિટીસ અને અન્ય ક્રોનિક રોગોથી મુક્ત હતા. આ ટીમને જણાયું કે હાઈ લિપોપ્રોટિન્સ- જે સામાન્યપણે ગુડ કોલેસ્ટરોલ કહેવાય છે તેના ચોક્કસ પ્રકારોનું લેવલ આઠ વર્ષની વયે ઘટ્યું હતું. આ ઉપરાંત, ૧૬ અને ૧૮ વર્ષની વય સુધીમાં ઈન્ફ્લેમેશન અને એમિનો એસિડના પ્રમાણમાં વધારો થયો હતો. આ તફાવતો સમયની સાથે વધતા ગયા હતા.
જોકે, આનો અર્થ એવો પણ નથી કે યુવાન લોકોમાં છુપાયેલો ડાયાબિટીસ હોય છે, આ તો સંભવિત જોખમ કે શંકાસ્પદતાની બાબત છે. આના પરિણામે, રોગ અને તેની ગંભીર અસરોને ઉગતા જ ડામી દેવાય તે શક્ય બને.