લંડનઃ રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે તો ચહેરાની વાત કરવી છે, અને તે પણ એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ ચહેરાની. જેરોમ હામોન વ્યક્તિ એક છે, પરંતુ તેના ચહેરા ત્રણ છે. The man with three faces તરીકે જગવિખ્યાત જેરોમ હામોન વિશ્વની પ્રથમ વ્યક્તિ છે, જેનું પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયા પછી ફરી ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય.
પેરિસ હોસ્પિટલમાં રહેલો જેરોમ ટ્રાન્સપ્લાન્ટના ત્રણ મહિના પછી નવી ઓળખને ઝડપથી સ્વીકારી રહ્યો છે. તેનો નવો ચહેરો સપાટ અને હાવભાવ વિનાનો છે અને તેમની ખોપરી, ત્વચા અને અન્ય લક્ષણો વચ્ચે સુમેળ સાધવાનો બાકી છે.
૪૩ વર્ષીય જેરોમ કહે છે કે, ‘હું આ ચહેરામાં ખુદ હોવાની લાગણી અનુભવી રહ્યો છું. હું આ બધામાંથી બહાર આવવા આતુર છું.’ અત્યારે પણ તેને બોલવામાં તકલીફ પડે છે. આ અભૂતપૂર્વ મલ્ટિ-સ્ટેપ સર્જરી પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાત પ્રોફેસર લોરેન્ટ લેન્ટિએરીના વડપણ હેઠળ પેરિસની જ્યોર્જેસ પોમ્પિદુ યુરોપિયન હોસ્પિટલના નિષ્ણાત સ્ટાફ દ્વારા કરાઇ છે.
જેરોમ ન્યૂરોફાઈબ્રોમેટાસિસ ટાઈપ-૧ નામની જિનેટિક વિકૃતિ ધરાવે છે, જેમાં શરીર પર ગાંઠો થવા લાગે છે. તેનું ૨૦૧૦નું પ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટ સફળ જ હતું, પણ શરદીની સારવાર માટે અપાયેલી દવાની આડઅસરના કારણે ૨૦૧૬માં નવો ચહેરો ખરાબ થઈ જતાં ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરાયું હતું. આ પછી ગત નવેમ્બરમાં જેરોમના ચહેરાને નેક્રોસિસ (કોશિકાઓનો નાશ)ના કારણે દૂર કરવા ફરજ પડી હતી.
આ પછી તેને ફેસ ડોનરની રાહમાં બે મહિના ચહેરા વિના જ હોસ્પિટલમાં રહેવું પડ્યું. જોકે, આ કપરા સંજોગોમાં પણ તેની કોઇ ફરિયાદ નહોતી. આખરે, પેરિસથી સેંકડો કિલોમીટર દૂર મૃત્યુ પામેલા ૨૨ વર્ષીય યુવકના ચહેરાનું દાન મળતાં જ તત્કાળ સર્જરી હાથ ધરાઇ હતી. આજે જેરોમ હામોન ખુશ છે.