‘મારા પતિ મારા કરતાં વધુ સામાજિક છે. તેમને લોકોને મળવું, હળવું-ભળવું, વાતો કરવી ગમે છે. કોરોના મહામારી પૂર્વે અમારે આ મુદ્દે ઘણી વાર બોલવાનું થતું પણ લોકડાઉને તે સમસ્યા દૂર કરી દીધી હતી, કેમ કે કોઇ ક્યાંય જઇ શકતું નહોતું. હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમ અમારી વચ્ચે ફરી ચકમક ઝરવા લાગી છે.’ લેખિકા સુઝેન કેન કહે છે કે આ કોઇ એક પરિવારની સમસ્યા નથી. તેમની વાત ખોટી પણ નથી.
જેસિકા ગ્રોસના પરિવારમાં તો વાત બાળકો સુધી પહોંચી ચૂકી છે. નાની દીકરી પતિ જેવી છે તો મોટી જેસિકા જેવી છે. પરિવારમાં આવા સભ્યો હોય તો તમામને સાથે રાખીને કેવી રીતે ચાલવું કે જેથી તણાવ ન સર્જાય તે નિષ્ણાતો પાસેથી સમજવા જેવું છે.
પ્રાથમિકતા સમજો, સમસ્યા દૂર થશે
સ્વભાવનું મૂલ્યાંકન કરવા માટે જુઓ કે બાળકો બીજા સાથે વાત કરવામાં સહજ છે કે અસહજ? રમતના મેદાનમાં પણ અલગ રહેવાનું પસંદ કરે છે? મેરિલેન્ડ યુનિવર્સિટીના હ્યુમન ડેવલપમેન્ટ વિભાગના પ્રો. કેનેથ રુબિન કહે છે કે પરિવારના લોકોનું મૂલ્યાંકન કરવાનું વિચિત્ર જરૂર લાગી શકે છે, પણ તેનાથી સમસ્યાઓ દૂર થાય છે. તેમની સાથે વીકએન્ડની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરો. સામાજિક પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરો. રવિવારે તમારી ખુદની ઇચ્છા પૂરી કરો.
ક્યારેક બાંધછોડ કરો, પણ...
સુઝેન કેન જણાવે છે કે ઘણી વાર આપણે બાળકોને ઘરે મૂકીને બહાર જઇએ છીએ. મને લાગે છે કે અમારે આ સમય સાથે વિતાવવો જોઇએ, પણ પતિને વધુ લોકોને મળવું ગમે છે. તેથી અમે ડિનર પછી ફ્રેન્ડ્સને મળવા જતા રહીએ છીએ. ક્યારેક હું એકલી ઘરે આવી જાઉં છું અને મારા પતિ ફ્રેન્ડ્સ સાથે જતા રહે છે. હવે મહામારીનું જોર ઘટતા એટલી રાહત છે કે આપણે ફરી સામાજિક રીતે સક્રિય થઇ શકીશું, જેનાથી તણાવ પણ ઘટશે. હું મારી પસંદ-નાપસંદમાં ઘણી વખત બાંધછોડ પણ કરું છું, પરંતુ સાથે સાથે એ લાગણી પણ વ્યક્ત કરી દઉં છે કે આ મને ગમ્યું નથી.
અંતર્મુખી સભ્યોને ચર્ચામાં સામેલ કરો
બહિર્મુખી લોકોએ અંતર્મુખી જીવનસાથી કે બાળકોને ચર્ચામાં જરૂર સામે કરવા જોઇએ. તેમને અહેસાસ કરાવો કે તેમનો અભિપ્રાય પણ મહત્ત્વનો છે. અંતર્મુખી સ્વભાવ અંગે ઘણું લખી ચૂકેલાં સુઝેન કેન કહે છે કે અંતર્મુખી અને બહિર્મુખી લોકોના સંતોષ માટે જુદી - જુદી પ્રવૃત્તિઓ કરો. જેમ કે, મારી નાની દીકરીને મારા પતિ પાર્કમાં લઇ જાય છે જ્યારે હું અને મોટી દીકરી ઘરે રહીને વાંચન કરીએ છીએ. બધા ખુશ, કોઇ તકલીફ નહીં.