ન્યૂ યોર્કઃ હાર્ડ ડ્રાઈવમાં જેમ ફોટોગ્રાફનો સંગ્રહ થાય છે અને તે ચોક્કસ સ્પેસ રોકે છે તેવી જ રીતે ભાષા પણ મગજમાં અમુક પ્રમાણમાં સ્પેસ રોકે છે. જોકે મગજની મેમરી સ્પેસ અમર્યાદિત છે.
સંશોધકોના જણાવ્યા મુજબ માણસનું દિમાગ ક્યારેય કમ્પ્યુટરની જેમ એવું નહીં કહે કે મેમરી ફૂલ થઈ ગઈ છે. માણસનું મગજ નકામી ચીજોને આપોઆપ ભૂલાવી દે છે, પરંતુ કોઈ તેને ફરી યાદ અપાવે તો તમામ બાબત ફરી સ્મૃતિપટલ પર આવી જાય છે. આપણા મગજમાં મડિબ્રેન ડોપામાઈન સિસ્ટમ (એમડીએસ) હોય છે તેને કારણે આવું થાય છે.
નિષ્ણાતો કહે છે કે ભાષા મગજમાં અમુક પ્રમાણમાં સ્પેસ રોકે છે અને ખાસ તો અંગ્રેજી ભાષાના મામલે આવું થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી અને રોચેસ્ટર યુનિવર્સિટીમાં થયેલા સંયુક્ત સંશોધનના તારણ મુજબ અંગ્રેજી ભાષા મગજમાં ૧.૫ મેગાબાઈટ્સ (એમબી)ની જગ્યા રોકે છે.
સંશોધકોએ અભ્યાસમાં એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે અંગ્રેજી ભાષાને અનેક ભાગમાં સ્ટોર કરવા માટે મગજમાં કેટલા ડેટા સ્પેસની જરૂર પડે છે. સંશોધકોના જણાવ્યા મુજબ આપણું મગજ શબ્દનો સંગ્રહ કરવાની સાથે તેને કેવી રીતે બોલવું તે પણ સ્ટોર કરે છે. એક શબ્દનો બીજા શબ્દ સાથે કેવી રીતે તાલમેલ બેસાડવો એ પણ મગજનો જ એક હિસ્સો છે. મગજ આ બધી જાણકારી રાખવા માટે કેટલી સ્પેસ રોકે છે એ માટે સંશોધન કરાયું હતું. સંશોધકોએ આ માટે ગણિતની ઇન્ફર્મેશન થિયરીનો સહારો લીધો હતો. તેમાં જણાવાયું છે કે માહિતી કેવી રીતે ચોક્કસ ચિહનના ક્રમમાં સંગ્રહ થાય છે. સંશોધકોએ એક જેવા જ ઉચ્ચારણ ધરાવતા ૫૦ શબ્દો બોલવા લોકોને કહ્યું હતું. એક શબ્દને સંગ્રહ કરવા લગભગ ૧૫ બિટ્સની જરૂર પડી હતી.
આ પછી માણસના મગજના શબ્દકોષનું પરીક્ષણ કરાયું હતું. તેમાં એક વ્યક્તિએ સરેરાશ ૪૦ હજાર શબ્દોનો પ્રયોગ કર્યો. તેમાં ૪ લાખ બિટ્સ ડેટાનો સંગ્રહ થતો હોવાનું જણાયું હતું.
જનરલ રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં હાલમાં જ પ્રકાશિત લેખ અનુસાર બીજી ભાષાની સરખામણીએ અંગ્રેજી મગજમાં વધુ જગ્યા રોકે છે. સંશોધકોનું કહેવું છે કે આપણે જે શીખીએ છીએ તે આસપાસ સંભળાય છે, પરંતુ અત્યાર સુધી આ વાત સામે નહોતી આવી કે આ કઈ રીતે થાય છે.