આફ્રિકાના દર્દીની 6 વખત નિષ્ફળ રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા ડો. વિક્રમ શાહ

Thursday 02nd June 2022 07:19 EDT
 
 

અમદાવાદઃ આફ્રિકાના ઘાનાના એક દર્દીની હિપ રિપ્લેસમેન્ટની સર્જરી 6 વખત નિષ્ફળ રહી હતી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વિશ્વ વિખ્યાત ડો. વિક્રમ શાહે શહેરની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આ રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. આ દુર્લભ સર્જરી ડો. વિક્રમ શાહના નેતૃત્વમાં ડો. જે. એ. પચોરે (ડાયરેક્ટર-હિપ સર્જરી), ડો. અમીશ ક્ષત્રિય (સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. પ્રણય ગુર્જર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન)એ પાર પાડી હતી.

ઘાનાના બોલ્ગાટાંગા શહેરનાં 65 વર્ષનાં નાન્સાતા સાલીફુ ચાર બાળકોના માતા અને નિવૃત મેટરનિટી નર્સ છે. તેમના પતિ ફાઈનાન્શિયલ ઇકોનોમિસ્ટ છે. ડિસેમ્બર 2016માં તેઓ પડી ગયા અને હિપમાં ફ્રેક્ચર થયું. તેમના પર 2017ના પ્રારંભે ઘાનાના વાબકુ ખાતે સૌથી પહેલા હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાઇ પરંતુ તેમને ઇન્ફેક્શન થયું હતું. આ પછી તેમણે ઘાનાના મોટા શહેર કુમાસીની બીજી હોસ્પિટલમાં સારવાર લીધી. જોકે, આ સર્જરી પણ નિષ્ફળ ગઈ હતી. તે પછીના અઢી વર્ષ દરમિયાન તેમણે તે જ હોસ્પિટલમાં પાંચ વખત નિષ્ફળ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીઓ સહન કરી. દરેક રિવિઝન સર્જરી સાથે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી. હિપ રિપ્લેસમેન્ટ એક એવી સર્જરી છે જેમાં ક્ષતિગ્રસ્ત કોમલાસ્થિ (કાર્ટિલેજ) અને હાડકાને હિપ જોઈન્ટમાંથી બદલીને તેની જગ્યાએ કૃત્રિમ ઇમ્પ્લાન્ટ્સ લગાવાય છે. અમુક સમયે હિપ રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટ વિવિધ કારણોસર ઘસાઈ શકે છે અને તેને રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની મદદથી બદલવાની જરૂર પડી શકે છે. જોકે, સામાન્યતઃ આવું સર્જરીના 15-20 વર્ષ પછી થાય છે.
જોકે સલિફુના કેસમાં આવું નહોતું. તેમના કિસ્સામાં વારંવાર હિપ જોઇન્ટ ડિસલોકેશન મુખ્ય કારણ હતું. છ નિષ્ફળ સર્જરી પછી તેમનો હિપ જોઇન્ટ ખસી ગયો હતો અને તેમાં તેમનો પગ લગભગ 3 સે.મી. ટૂંકો થઈ ગયો હતો. તેમને તીવ્ર પીડા થતી હતી, તેઓ લંગડાતા અને પગ ટૂંકાવીને ચાલતા હતા. તેમને તેમના રોજિંદા કામકાજ કરવામાં પણ સમસ્યા નડતી હતી. રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ આમ પણ વધુ પડકારજનક અને જટિલ હોય છે. તેમાં છ નિષ્ફળ સર્જરીએ મુશ્કેલી વધારી દીધી હતી.

ડો. વિક્રમ શાહ કહે છે, ‘અમે તેમના એસિટાબ્યુલમ (હિપ બોનનો સોકેટ કે જેમાં ફેમર ફીટ થાય છે)ને ખાસ ઇન્સ્ટ્રુમેન્ટેશન વડે હાડકાંને નુકસાન કર્યા વગર રિવાઇઝ કર્યું. સોકેટને ઠીક કરવા મોટી સાઈઝના કપ અને સ્ક્રૂનો ઉપયોગ કરાયો હતો અને ભવિષ્યમાં તકલીફ રોકવા માટે ખાસ પ્રકારના પ્લાસ્ટિક લાઇનરનો ઉપયોગ કરાયો હતો. રિવિઝન સર્જરી માટે ક્યારેક બોન ગ્રાફ્ટિંગની પણ જરૂર પડે છે, જેના માટે મોટા પ્રમાણમાં હાડકાની જરૂર પડતી હોય છે. શેલ્બીમાં અમારી પાસે આ માટે બોન બેંક છે. તેમને રિકવરી થવા માટે 3 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ પર રખાયા હતા. પછી તેમને વોકરના સહારે ચાલતા કરાયા હતા. છ અઠવાડિયા બાદ તેઓ દુખાવા વગર, લંગડાયા વગર અને પગ ટૂંકો કર્યા વગર ચાલવા સક્ષમ બન્યા.’
સલિફુના પુત્રી કહે છે, ‘મારી માતાએ ઘણી નિષ્ફળ સર્જરીઓ જોઈ હતી, અને પછી અમને ડો. વિક્રમ શાહ અને શેલ્બી હોસ્પિટલમાં રિફર કરાયાં હતા. અહીં સર્જરી સફળ રહી છે અને તેઓ ફરીથી ચાલી શકે છે. અમે ખુબ જ ખુશ છીએ.’
ડો. વિક્રમ શાહ આગળ કહે છે, ‘શેલ્બી હોસ્પિટલ ખાતે અમે એક વર્ષમાં લગભગ 10,000 જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ, જે વિશ્વમાં સૌથી વધુ છે. પ્રાથમિક સર્જરી સાથે શેલ્બી ખાતે સમગ્ર વિશ્વમાંથી રિવિઝન સર્જરી માટે પણ મોટી સંખ્યામાં જટિલ કેસ આવે છે. આમાંથી લગભગ 250 જટિલ અને રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરીઓ હોય છે. દરેક કેસમાં અલગ પડકાર હોય છે, પરંતુ આ કેસ અનોખો અને મુશ્કેલ હતો કારણ કે દર્દીએ અગાઉ છ વખત સર્જરી કરાવી હતી. અમે ખુશ છીએ કે પાંચ વર્ષ પછી તેમની સફળ સારવાર થઈ છે અને તેઓ પીડામુક્ત થયા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter