આયર્ન સપ્લિમેન્ટ્સ નારંગીના જ્યૂસ સાથે લેવાથી લાભ

હેલ્થ બુલેટિન

Sunday 16th March 2025 07:04 EDT
 
 

આયર્ન સપ્લિમેન્ટ્સ નારંગીના જ્યૂસ સાથે લેવાથી લાભ
શરીરની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે અને મગજની તંદુરસ્તી માટે આયર્ન અથવા લોહતત્વ મહત્ત્વની ખનિજ છે જે હોર્મોન્સ અને બોન મેરોના ઉત્પાદનમાં મદદ સાથે રોગ પ્રતિકાર શક્તિને પણ મજબૂત બનાવે છે. શરીરમાં આયર્નનું શોષણ થવું જરૂરી છે અને તેમાં વિટામીન C ધરાવતા ફળો અને ખાસ કરીને તો નારંગીનું વિશેષ મહત્ત્વ છે. સ્ત્રીઓમાં માસિક સ્રાવના કારણે વહી જતાં લોહીનાં કારણે લોહતત્વની ઉણપ સર્જાય છે અને તેઓ એનિમિયાનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાં આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડે છે. શરીરમાં આયર્નનું બરાબર શોષણ થાય તે માટે સવારે વિટામીન C થી ભરપૂર નારંગીના જ્યૂસ સાથે તેની ગોળીઓ લેવાય તે હિતાવહ છે. વિટામીન C આયર્નના શોષણમાં કેટાલિસ્ટ અથવા ઉદ્દીપકનું કાર્ય કરે છે.
લોકોએ ચા, કોફી, દૂધ, આલ્કોહોલ, કેલ્સિયમ અથવા કેલ્સિયમથી ભરપૂર ખોરાક સાથે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી લોહતત્વના શોષણમાં વિલંબ થાય છે. લોહતત્વ સપ્લિમેન્ટ્સ સાથે ચા અને કોફીનું સેવન તેના શોષણમાં મદદ કરતું નથી. અમેરિકન જર્નલ ઓફ હેમેટોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ કોફીમાં રહેલું કેફિન તત્વ આયર્નના શોષણમાં અવરોધક બની રહે છે. તેની સરખામણીએ નારંગીના જ્યૂસ સાથે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાય તો આયર્નનું ચાર ગણું શોષણ થાય છે. સામાન્ય રીતે દવાઓ ફિલ્ટર્ડ પાણી સાથે લેવાની સલાહ અપાય છે પરંતુ, આયર્નને નારંગીના જ્યૂસ સાથે લેવાય ત્યારે તેમનું પાચન થવાં સાથે એવું સંયોજન પેદા થાય છે જેનું શોષણ કરવું શરીરને સરળ પડે છે.

•••

યોગ્ય આહાર કેન્સર સામે રક્ષણ આપે છે

કેન્સરના અટકાવમાં આહારને સાંકળતા પુરાવાઓ વધી રહ્યા છે અને વિજ્ઞાનીઓ તેનું કારણ પણ સમજી રહ્યા છે. ત્રણ નવા અભ્યાસોએ ચોક્કસ પ્રકારનો આહાર કેવી રીતે આપણને કેન્સર સામે રક્ષણ આપે છે તેની નવેસરથી સમજ પૂરી પાડી છે અને એક અભ્યાસમાં તો તેના માટે કારણભૂત મોલેક્યુલર મિકેનિઝમ્સની પણ સમજ અપાઈ છે. આપણા જઠર અને આંતરડામાં રહેલા સારાં બેક્ટેરિયા ફાઈબર કે રેષાંનું લાભકારી સંયોજનોમાં રૂપાંતર કરે છે. આ સંયોજનો કેન્સરના કોષોમાં રહેલાં DNAને કેવી રીતે બાંધે છે તેમજ તેની વૃદ્ધિ અને પ્રસારને ધીમાં પાડે છે તે દર્શાવે છે.
લાંબા સમયથી સ્થાપિત થયું છે કે શાકભાજી, આખાં અનાજ, ફળો અને નટ્સથી સમૃદ્ધ આહાર કેન્સરનું જોખમ નીચું રાખવામાં મદદ કરે છે. તાજેતરમાં 542,000 લોકોના ડેટાના વિશ્લેષણથી પણ જણાયું છે કે રોજ એક ગ્લાસ દૂધ અથવા તેમાં રહેલા 300 મિલિગ્રામ કેલ્સિયમ સાથેનો આહાર પણ આંતરડાના કેન્સરનું જોખમ 17 ટકા ઘટાડે છે. આ ઉપરાંત, દિવસમાં ચારથી વધુ કપ કોફી પીવાથી પણ માથા અને ગરદનના કેન્સરનું જોખમ ઘટતું હોવાનું જણાવાય છે. જોકે, જેઓ કેફિન તત્વની સેન્સિટિવિટી ધરાવતા હોય તેમણે આવો પ્રયોગ કરવો ન જોઈએ તેવી પણ ચેતવણી અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter