આપણને શરીરના પોષણ સંદર્ભે અનેક માર્ગદર્શન અને સલાહ મળી રહે છે. જોકે, તમારે સંતોષકારક અને સ્વસ્થ જીવન જીવવું હોય તો થોડી તંદુરસ્ત આદત જરૂરી છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન કહે છે કે તંદુરસ્ત આદત કે વર્તન કુદરતી વૃદ્ધાવસ્થા આવતી અટકાવે છે. જો તમે કુદરતી વૃદ્ધાવસ્થાના પરિણામોને ઉલટાવી તમારું જીવન ગુણવત્તાપૂર્ણ બનાવવા ઈચ્છતા હો તો જીવનમાં આઠ આરોગ્યપ્રદ આદતો અપનાવવી પડશે, જે તમારું આયુષ્ય છ વર્ષ વધારશે!
1) આરોગ્યપ્રદ આહારશૈલીઃ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તેમાં આરોગ્યપ્રદ આહારશૈલીને અનુસરવાનું કાર્ય મુખ્ય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન્સ (CDC)ના મતે આરોગ્યપ્રદ આહાર કાર્ડિયોવાસ્કુલર રોગો, કેન્સર અને ટાઈપ-2 ડાયાબિટીસ સહિત લાંબા ગાળાની વિવિધ બીમારી સામે રક્ષણ આપે છે. આહારમાં પ્રોસેસ્ડ ફૂડ્સનો વપરાશ ઘટાડવા માટે તાજા ઉત્પાદનો, આખાં અનાજ અને ખાદ્યપદાર્થો તેમજ લીલા શાકભાજીને પ્રાથમિકતા આપે તેવા આરોગ્યપ્રદ આહારનું આયોજન જરૂરી હોવાનું નિષ્ણાતો કહે છે. આરોગ્યપ્રદ આહાર વિવિધ પ્રકારના ફૂડ્સ ખાવા તથા ખાંડ, સોડિયમ (મીઠું) અને ટ્રાન્સ ફેટ્સને મર્યાદિત રાખવા પર નિર્ભર છે.
2) સતત શારીરિક પ્રવૃત્તિઓઃ કુદરતી વયવૃદ્ધિને ધીમી પાડવા અને જીવનની ગુણવત્તા વધારવાની રણનીતિમાં શારીરિક પ્રવૃત્તિઓ સતત કરતા રહેવાનું જરૂરી છે. CDC દર સપ્તાહે ઓછામાં ઓછાં બે કલાક સખત શારીરિક મહેનત કરવી પડે તેવી પ્રવૃત્તિનું લક્ષ્ય આપે છે પરંતુ, તેનાથી વધારે પ્રવૃત્તિ કરશો તો હકારાત્મક પરિણામ જ મળશે. પ્રતિબદ્ધતા સાથે શારીરિક કસરત હાર્ટ એટેક, કાર્ડિયોવાસ્કુલર રોગો, અનેક પ્રકારના કેન્સર, ટાઈપ-2 ડાયાબિટીસની શક્યતા ઘટાડે છે. આ ઉપરાંત, તેનાથી તમારી સ્ફૂર્તિ, સ્નાયુ અને હાડકાની મજબૂતાઇ વધવા સાથે ભવિષ્યમાં અકસ્માતો અને પડવા-આખડવાની સમસ્યા ઘટશે.
3) ખરાબ (LDL) કોલેસ્ટરોલમાં ઘટાડોઃ કોલેસ્ટરોલના કારણે લોહીનો પ્રવાહ લઈ જતી ધમનીઓમાં છારી બાઝી જાય છે અને તેનાથી બ્લડ પ્રેશર વધવા ઉપરાંત હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે. આ સ્થિતિમાં કોલેસ્ટરોલ અને ખાસ કરીને ખરાબ (LDL) કોલેસ્ટરોલ ઘટાડવા પર ધ્યાન અપાય તે હિતાવહ છે. મેયો ક્લિનિક અનુસાર આહારમાં ચોક્કસ પ્રકારના પરિવર્તનથી શારીરિક આરોગ્યનાં આ પાસામાં સીધો જ સુધારો થઈ શકે છે. નિષ્ણાતો સોલ્યુબલ ફાઈબર, મિલ્ક પ્રોટિન અને ઓમેગા-3 ચરબીઓ વધારે લેવાં સાથે સેચ્યુરેટેડ ફેટ્સનું પ્રમાણ ઘટાડવા સલાહ આપે છે. શરાબપાનમાં ઘટાડો ને ધૂમ્રપાન બંધ કરવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં વધુ મદદ મળે છે. આ ઉપરાંત, દવાઓ લેવાથી વધુ લાભ મળી શકે કે કેમ તે વિશે જાણવા તમારા હેલ્થકેર પ્રોવાઈડરનું માર્ગદર્શન પણ મેળવી શકાય.
4) બ્લડ સુગર પર નિયંત્રણઃ તમારું આયુષ્ય લંબાવવા અન્ય મહત્ત્વનું પરિબળ તમારી બ્લડ સુગર પર નિયંત્રણ રાખવાનું છે. બ્લડ સુગરની વેલ્યુઝને લક્ષ્યની અંદર જાળવી રાખવાથી ટાઈપ-2 ડાયાબિટીસ થતો અટકાવવા ઉપરાંત, કાર્ડિયોવાસ્કુલર બીમારીઓ, કિડનીની બીમારી, દષ્ટિ ગુમાવવાની સ્થિતિને અટકાવી કે લંબાવી શકો છો. બહુમતી લોકોને આદર્શ આરોગ્યપ્રદ આહારશૈલી અપનાવવાથી બ્લડ સુગરને કાબુમાં રાખવામાં મદદ મળે છે. ભોજન નિયમિત અંતરે અને થોડા કોળિયામાં લેવું હિતાવહ ગણાશે.
5) બ્લડ પ્રેશરનું મોનિટરિંગઃ મૃત્યુ અથવા અક્ષમ બની જવાના મુખ્ય જોખમી પરિબળોમાં હાઈ બ્લડ પ્રેશર પણ એક છે. બેકાબુ હાઈપરટેન્શન હાર્ટની ગંભીર સમસ્યા, કિડન ફેઇલ્યોર, અલ્ઝાઈમર્સ ડિસીઝ, મેટાબોલિક તેમજ અન્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. જો તમે અમેરિકન હાર્ટ એસો.ની યાદીની ભલામણોને અનુસરશો તો હાઈ બ્લડ પ્રેશરને નીચું લાવવામાં અસરકારક રહેશો. તમારે પ્રીસ્ક્રિપ્શન ડ્રગ્સની જરૂર છે કે કેમ તેનો નિર્ણય કરવા હેલ્થકેર પ્રોવાઈડરનો સંપર્ક કરવો જરૂરી છે.
6) ધૂમ્રપાનને તિલાંજલિ: લાંબા ગાળાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે સૌથી આરોગ્યપ્રદ બાબત એ છે કે કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન છોડી દો. CDCના રિપોર્ટ્સ કહે છે કે ધૂમ્રપાન છોડી દેવાથી તમારા આયુષ્યમાં 10 વર્ષનો વધારો થવા સાથે અકાળે-યુવાવયે મોતની સંભાવના, કેન્સરનું જોખમ, અયોગ્ય પ્રજનનીય પરિણામો, કાર્ડિયોવાસ્કુલર વિકૃતિનું પ્રમાણ ઘટે છે ને જીવનની ગુણવત્તા વધે છે.
7) સારી ઊંઘઃ દરરોજ રાત્રે આઠ કલાક જેટલી ઊંઘ લેવાથી તમારા શરીરની કુદરતી વૃદ્ધાવસ્થાની અસરોને રીવર્સમાં લઈ શકાય છે અને તંદુરસ્તી સુધારી શકાય છે. નિદ્રાવસ્થામાં જ આપણું શરીર અને તેની સિસ્ટમ્સ સમારકામની પ્રક્રિયાઓ કરે છે. ઉપરાંત ઊંઘ દરમિયાન વિકાસ અને તણાવને નિયંત્રિત કરતા હોર્મોન્સની સમતુલા સધાય છે. કોષોનું આપમેળે જ નવીનીકરણ થાય છે તેમજ સંસ્મરણોની રચના કરી શકાય તે માટે મગજ સમગ્ર દિવસની ઘટનાઓનું વિશ્લેષણ કરે છે. આપણી વય વધતી જાય તેમ માનસિક સતેજતા જાળવવી આવશ્યક છે. જોકે, ઊંઘનું પ્રમાણ જ નહિ, તેની ગુણવત્તા અને નિયમિતતા પણ મોટી ભૂમિકા ભજવે છે. ઊંઘની અનિયમિત પેટર્ન્સથી મરામતની કાર્યપદ્ધતિઓ ખોરવાય છે તેમજ આપણી વાસ્તવિક વય હોય તેના કરતાં પણ બાયોલોજિકલ ઊંમર વધુ લાગે છે અને લાંબા સમયના રોગોની સંભાવના વધી જાય છે.
8) વજન નિયંત્રણઃ જો તમે આ યાદીમાંની અન્ય સલાહો, ખાસ કરીને આરોગ્યપ્રદ ભોજન અને કસરતનું અનુસરણ કર્યું હશે તો તમારા વજનને પણ અવશ્ય અંકુશમાં રાખી શકશો. સારી વાત એ છે કે યોગ્ય રેન્જમાં વજનને જાળવી રાખશો તો ઘણાં રોગ થવાની શક્યતાઓ ઘટી જશે. જે લોકો પોતાનું વજન નિયંત્રણમાં રાખે છે તેમને આર્થ્રાઈટિસ, ટાઈપ-2 ડાયાબિટીસ, કોરોનરી આર્ટરી ડિસીઝ, ગોલબ્લેડરની પથરીઓ, ટ્યુમર્સ, શ્વાસોચ્છવાસની સમસ્યા અને અનિદ્રા જેવા રોગો થશે નહિ.
અલબત્ત, નવી તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં ઉપયોગી આ માર્ગદર્શનને અનુસરતા પહેલા તમારા મેડિકલ પ્રોફેશનલની સલાહ મેળવી લેવી પણ આવશ્યક છે.