આર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે, જેમાં સાંધામાં સોજો અને દુખાવો થાય છે. આમ તો આ તકલીફ કોઈ પણ ઉમરે થઈ શકે છે, પરંતુ વૃદ્ધોમાં તે વિશેષ જોવા મળે છે.
આર્થરાઈટિસના મુખ્ય બે પ્રકાર છે. એક તો, ઓસ્ટિયોઆર્થરાઈટિસ - જે સાંધાના ક્ષરણ સાથે સંબંધિત છે જ્યારે બીજો પ્રકાર છે રૂમેટોઈડ આર્થરાઈટિસ. આ એક ઓટોઈમ્યુન વિકાર છે, જે થવાના અનેક કારણ હોય શકે છે. જેમ કે, વંશ પરંપરાગત, ઉમરની સાથે સાંધાનો ઘસારો, મહિલાઓમાં રજોનિવૃત્તિ પછી એસ્ટ્રોજોન હોર્મોનની ઊણપ, સ્થૂળતા વગેરે. આર્થરાઇટિસ કોઇ પણ પ્રકારનો હોય, તેને મેનેજ કરવામાં દવા અને ફિઝિયોથેરપીની સાથે જીવનશૈલી અને ડાયટમાં પરિવર્તન જરૂરી છે. આ 5 ફૂડનો રોજિંદા ભોજનમાં ઉપયોગ આર્થરાઇટિસ મેનેજ કરવામાં મદદગાર છે.
ઓલિવ ઓઈલમાં છે એન્ટી ઈન્ફલેમેટરી ગુણ
કાચું ઓલિવ ઓઈલ, ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલમાં ઓલિયો કેથન નામનું મિશ્રણ હોય છે. તેમાં ઈબુપ્રોફેન જેવા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. કુકિંગ માટે ઓલિવ ઓઈલના પોષણનો પૂરતો લાભ લેવા તેનો ઉપયોગ ધીમા કે મધ્યમ તાપમાં કરો અથવા તો સલાડમાં ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરો. આનાથી આર્થરાઈટિસ સંબંધિત દુખાવો અને સોજો ઘટે છે. તેમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ સાંધાને નુકસાનથી બચાવે છે.
ઓમેગા-થ્રી આપશે સાંધાના દુખાવામાં રાહત
ઓમેગા-થ્રી શરીરમાં ઈન્ફલેમેટરી પ્રોટીનનું પ્રમાણ ઘટાડે છે. તેનાથી સાંધાનો દુખાવો અને જકડાઈ જવાથી રાહત મળે છે. અખરોટ, ઈલાયચી અને ચિયા સિડ્સના બીજમાં પણ ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે, જે ઈન્ફ્લેમેશન ઘટાડે છે અને સાંધાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેનાથી સંધિવાની આશંકાની સાથે તેના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે.
પાંદડાવાળા લીલાં શાકભાજી અને બેરીઝ
સોજો ઘટાડવામાં પાંદડાવાળા લીલાં શાકભાજી બહુ ઉપયોગી છે. પાલક, સરગવો વગેરેમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને વિટામિન-ઈ હોય છે, જે સાંધાને ફાયદો પહોંચાડે છે. વિવિધ પ્રકારની બેરીઝ જેમ કે જાંબુ, સ્ટ્રોબેરી, બ્લ્યુબેરી અને શહતૂતમાં એન્થોયાનિન દ્રવ્ય હોય છે, જે સોજો ઘટાડવામાં બહુ મદદરૂપ થાય છે.
હળદર સોજો અને દુખાવો ઘટાડાવામાં મદદરૂપ
હળદરમાં કરક્યુમિન નામનું શક્તિશાળી એન્ટીઈન્ફ્લેમેટરી સંયોજન હોય છે, જે આર્થરાઈટિસને કારણે થતાં સોજા અને દુખાવામાં ઘટાડો કરે છે. તેને આહારમાં સામેલ કરવા માટે હળદરની ચા પણ પી શકો છો.
સંધિવાના લક્ષણને ઘટાડે છે આદુ
આદુ વધુ એક શક્તિશાળી એન્ટી-ઈન્ફ્લેમેટરી ફૂડ છે, જે સંધિવાના લક્ષણો ઘટાડે છે. તેમાં જિંજરોલ્સ અને શોગઓલ્સ જેવા સંયોજન હોય છે, જે ઈન્ફ્લેમેશનના કારણો ઘટાડે છે. આદુનું નિયમિત સેવન સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં બહુ મદદ કરે છે.