આમ તો કહેવાય છે કે ‘એન એપલ એ ડે કીપ્સ ડોક્ટર અવે’ એટલે રોજ એક સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવાનો વારો નહિ આવે. સામાન્ય પરિસ્થિતિમાં આ વાત સાચી છે. કોઈ પણ ફળ હોય તેનાથી શરીરને લાભ જ થાય છે પરંતુ, સંધિવા એથવા તો રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસથી પીડાતા લોકોએ તેમની પીડામાં રાહત મેળવવાં ટામેટાં અને સફરજન જેવાં રોજિંદા ‘પેઈન ટ્રીગર્સ’ ફળોથી દૂર રહેવું જોઈએ. આ બે સામાન્ય ફળ આર્થ્રાઈટિસની પીડાને વધુ વકરાવે છે.
યુકેમાં લાખો લોકો પીડા, સોજા અને દાહ -બળતરાના કારણરૂપ સંધિવાથી પીડાય છે ત્યારે આર્થ્રાઈટિસગ્રસ્ત લોકોએ તેમના આહારમાંથી ટામેટાં અને સફરજનને દૂર રાખવા જોઈએ તેવી ચેતવણી ‘ફીઝિશિયન્સ કમિટી’ સંસ્થાના ડોક્ટર્સે આપી છે. આમ તો, આર્થ્રાઈટિસથી મુક્તિ અપાવે તેવી કોઈ સારવાર નથી પરંતુ, લાઈફસ્ટાઈલ અને આહારમાં ફેરફારથી તેના લક્ષણોમાં રાહત મેળવી શકાય છે. ડાયાબિટીસ જેવી શારીરિક આરોગ્યની ઘણી પરિસ્થિતિની માફક આહાર જ રોગ અથવા અનારોગ્યને વકરાવે છે અથવા તેમાં રાહત આપે છે.
‘ફીઝિશિયન્સ કમિટી’ના રિપોર્ટ અનુસાર જિનેટિક પરિબળો મહત્ત્વના છે જ પરંતુ, આહાર સહિતના લાઈફસ્ટાઈલ પરિબળો પણ ભૂમિકા ભજવે છે. જો તમને રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસની સમસ્યા હોય તો આહારમાં બદલાવ મદદ કરી શકે છે અને કદાચ પીડાને સમૂળી ઘટાડી દે છે. તાજેતરના અભ્યાસોમાં જોવાં મળ્યું છે કે જે લોકો ‘પેઈન ટ્રીગર્સ’ એટલે કે દુઃખાવાને વધારતા આહારમાં કાપ મૂકે છે અથવા તે લેવાનું બંધ કરે છે ત્યારે તેમના દુઃખાવામાં રાહત મળે છે અથવા તદ્દન દૂર થાય છે. આવો આહાર બંધ થાય છે તેની સાથે ઈન્ફ્લેમેશન એટલે કે દુઃખાવાની બળતરા પણ દૂર થાય છે.
આર્થ્રાઈટિસના 1,000થી વધુ પેશન્ટ્સના સર્વેમાં જણાયું હતું કે રેડ મીટ, ખાંડ, ચરબી, મીઠું, કેફિન અને છાંયડામાં ઉગતા પ્લાન્ટ્સથી સામાન્ય રીતે હાલત વધુ બગડે છે. મુખ્યત્વે છાંયડામાં ઉગતા (નાઈટશેડ્સ ફેમિલી) પ્લાન્ટ્સમાં મળી આવતાં પોઈઝન ગ્લાયકોઆલ્કોલોઈડ (glycoalkaloid)માં સોલાનાઈન તત્વ છે જે ટામેટાં અને સફરજનમાં પણ હોય છે. આરબ જર્નલ ઓફ ન્યુક્લીઅર સાયન્સીસ એન્ડ એપ્લિકેશન્સમાં પ્રસિદ્ધ 2013ના અભ્યાસમાં સોલાનાઈન અને આર્થ્રાઈટિસ વચ્ચેનો સંબંધ તપાસાયો હતો.
બટાકા, ટામેટા અને રીંગણ જેવાં નાઈટશેડ્સ ફેમિલી પ્લાન્ટ્સમાં ઝેરી સંયોજન સોલાનાઈન હોય છે જેનું ઉત્પાદન પ્રકાશમાં આવતા જ થવાં લાગે છે જેની અસર શરીરના સાંધા પર થાય છે. જોકે, આરોગ્ય સંસ્થાઓએ આ દાવા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ધ આર્થ્રાઈટિસ સોસાયટી કેનેડાએ સોલાનાઈન તત્વ ધરાવતા આહાર સામે શરીરની પ્રતિક્રિયા વિશે વધુ અભ્યાસની તરફેણ કરી છે.