આલ્કોહોલ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ હોવાં વિશે ૮૦ ટકા સ્ત્રીઓ બેખબર

Saturday 29th June 2019 02:36 EDT
 
 

લંડનઃ શરાબ કે આલ્કોહોલનું સેવન બ્રેસ્ટ કેન્સરનું કારણ હોવાં વિશે પાંચમાંથી ચાર એટલે કે ૮૦ ટકા સ્ત્રીઓ અજાણ છે તેમ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના સંશોધન અભ્યાસના તારણોએ જણાવ્યું છે. સંશોધકોએ બ્રેસ્ટ સ્ક્રીનિંગ એપોઈન્ટમેન્ટની મહિલાઓ અને NHSના સ્ટાફ સહિત ૨૩૮ મહિલાનો સર્વે કર્યો હતો. તેઓમાંથી ૧૬ ટકા આ બંને વચ્ચે કડી હોવા વિશે તદ્દન બેખબર હતા. નિષ્ણાતોએ શરાબના જોખમને સમજવા ચેતવણી આપી છે કારણકે યુકેના સૌથી સામાન્ય કેન્સર કેસીસમાં એક બ્રેસ્ટ કેન્સર છે અને ૧૦માંથી એક કેસ તેનો હોય છે.

ચિંતાની બાબત તો એ છે કે માત્ર ૨૦ ટકા મહિલાને આલ્કોહોલના કેન્સર જોખમની જાણ હોવાં છતાં, તેમાંથી માત્ર ૬૬ ટકાએ તેઓ નિયમિત શરાબસેવન કરતાં હોવાની કબૂલાત કરી હતી. બ્રેસ્ટ કેન્સરના તમામ કેસમાં પાંચથી ૧૧ ટકા કેસ માટે શરાબ જવાબદાર હોવાનું ગણાય છે. યુકેમાં દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના આશરે ૫૫,૦૦૦ કેસનું નિદાન કરવામાં આવે છે, જે તમામ કેન્સર નિદાનના ૧૫ ટકા થાય છે. યુએસમાં દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના ૨૭૦,૦૦૦ કેસનું નિદાન થાય છે.

કેન્સર રિસર્ચ યુકેના જણાવ્યા અનુસાર જો ૧૦૦૦ મહિલા પ્રતિ દિન ત્રણથી છ યુનિટ (વાઈનના એક અથવા બે મોટા ગ્લાસ) શરાબ પીએ તો શરાબ નહિ પીનારાની સરખામણીએ કેન્સરના વધુ ૨૭ કેસની શક્યતા રહે છે. સર્વે અનુસાર ૪૫-૬૪ વયજૂથની ૨૦ ટકાથી વધુ મહિલા સપ્તાહમાં ૧૪ યુનિટથી વધુ શરાબનું સેવન કરે છે. શરાબ ગાંઠ-ટ્યુમરને વધારતા ફીમેલ સેક્સ હોર્મોન એસ્ટ્રોજનના વધુ ઉત્પાદન અથવા ડીએનએને નુકસાન કરતા કેમિકલ્સનું પ્રમાણ વધારીને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઊંચે લઈ જાય છે. શરીરમાં પેદા થયેલા કેન્સરના પ્રસારમાં પણ આલ્કોહોલ મદદ કરે છે.

પ્રોફેસર જુલિઆ સિનક્લેરની નેતાગીરી હેઠળના સંશોધનમાં જણાવાયું છે કે ડ્રિન્ક અને કેન્સર વચ્ચેની કડી સંદર્ભે લોકોને ચેતવણી આપી જાગૃત કરવાથી કેન્સર અટકાવી જીવન બચાવી શકાય છે. જર્નલ BMJ Openમાં પ્રસિદ્ધ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે સ્થૂળતાના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધતું હોવાનું ૩૦ ટકા લોકો જ સમજી શક્યા છે અને માત્ર ૫૦ ટકાને જ ધૂમ્રપાન જોખમી પરિબળ જણાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter