આધુનિક જીવનમાં બદલાતી ટેવોની સાથે લિવર સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. એક તંદુરસ્ત જીવન જીવવા માટે લિવરનું યોગ્ય રીતે કામ કરવું અત્યંત જરૂરી છે. શા માટે? તમને જાણીને નવાઇ લાગશે, પરંતુ લિવર શરીરમાં 500થી વધુ કામ કરે છે. ખોરાકના પાચનથી માંડીને હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર ફેંકવા સુધીમાં લિવરની મહત્ત્વની ભૂમિકા હોય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે લિવર સિરોસિસના લગભગ 10 લાખ નવા દર્દી જોવા મળી રહ્યા છે. કેન્સર પછી લિવર સાથે સંબંધિત ઘાતક બીમારી લિવર સિરોસિસ છે.
આ બીમારીના પ્રારંભમાં લિવરમાં ફેટ જમા થવા લાગે છે. ફેટ જમા થવાને કારણે લિવર ડેમેજ શરૂ થઈ જાય છે. લિવરને થયેલા આ ડેમેજને ફેટી લિવર નામથી ઓળખાય છે. આ દરમિયાન જો લિવરમાં કોઈ ઈજા પહોંચે તો સોજો આવી જાય તો તેના કારણે લિવર ફાઈબ્રોસિસ થાય છે. ફાઈબ્રોસિસ લિવર ડેમેજનો પ્રથમ તબક્કો હોય છે. જ્યારે આવું લાંબા સમય સુધી ચાલતું રહે છે તો તેના કારણે લિવર ખરાબ થઈ જાય છે, જેને લિવર ડેમેજ કે લિવર સિરોસિસ નામથી ઓળખવામાં આવે છે. લિવર સિરોસિસ થવાનો અર્થ છે કે હવે લિવર પહેલાની જેમ કામ કરવાને
લાયક નથી. જોકે યુકે બાયોબેન્કના એક રિસર્ચ અનુસાર દરરોજ 2500 પગલાં ચાલવાથી લિવરમાં થતી સમસ્યાઓ 38 ટકા સુધી ઘટી શકે છે.
સિરોસિસ માટે ક્યા કારણ જવાબદાર?
• શરાબનું વધુ સેવનઃ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી લિવરમાં ફેટ અને સોજો આવી શકે છે. અન્ય તંદુરસ્ત લોકોની તુલનામાં નિયમિત શરાબ પીનારામાં સિરોસિસ થવાનો ખતરો વધુ હોય છે. સામાન્ય રીતે જો વ્યક્તિ 10 વર્ષ સુધી સતત વધુ પ્રમાણમાં શરાબનું સેવન કરે છે તો તેને સિરોસિસ થવાની પૂરી આશંકા છે.
• નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝઃ જે લોકો શરાબનું સેવન બહુ ઓછું કે બિલકુલ કરતાં નથી, તેમને લિવરની જે સમસ્યા થાય છે તેને આ શ્રેણીમાં મૂકાય છે. આ સમસ્યામાં વ્યક્તિની ખાણીપીણીને કારણે વધારાની ચરબી કે ફેટ લિવરમાં જમા થઈ જાય છે, પરંતુ જો આ સમસ્યા પર ધ્યાન ન અપાય તો તેનાથી સિરોસિસ થઈ શકે છે. નિષ્ણાતોના મતે ભારતમાં લગભગ 40 ટકા લોકો નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝના દર્દી છે.
• હેપેટાઈટિસનો ચેપઃ હેપેટાઈટિસ સી એ લિવર સાથે સંકળાયેલો એક રોગ છે, જે વાઈરસ સંક્રમિત લોહીથી ફેલાઈને લિવરને નુકસાન પહોંચાડે છે. જેના કારણે સિરોસિસ થઈ શકે છે. વ્યક્તિને હેપેટાઈટિસ સી છે તો સિરોસિસ થવાનું જોખમ 30 ટકા વધી જાય છે. હેપેટાઈટિસ સી પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા અને દુનિયાના અનેક ભાગમાં સિરોસિસનું એક સામાન્ય કારણ છે. સિરોસિસ હેપેટાઈટિસ-બી અને ડીને કારણે પણ થઈ શકે છે.
4) ઓટોઈમ્યૂન બીમારીઃ ઈમ્યૂન સિસ્ટમ ભૂલથી શરીરના અંગ અને ટિશ્યૂની તંદુરસ્ત કોશિકાઓ પર હુમલો કરે છે, જેને ઓટોઈમ્યૂન બીમારી કહે છે. આવા 80થી વધુ ઓટોઈમ્યૂન રોગ છે. એ તમારા શરીરના કોઈ પણ ભાગને પ્રભાવિત કરી શકે છે. ઓટોઈમ્યૂન બીમારીથી સિરોસિસનું જોખમ વધે છે. સિરોસિસથી બચવા માટે ઓટોઈમ્યૂન ડિસિઝનું નિદાન થવું જરૂરી છે. તેના લક્ષણમાં સાંધામાં દુ:ખાવો, થાક, તાવ અને બેચેની સામેલ છે.
જો લક્ષણો દેખાય તો સાવચેતી જરૂરી...
સિરોસિસના લક્ષણોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, ઠંડી સાથે તાવ, વજનમાં ઘટાડો કે લોહીની ઉલટી થવી સામેલ છે. આ સંજોગોમાં તબીબી માર્ગદર્શન મેળવો. અમુક મેડિકલ ટેસ્ટથી લિવર સિરોસિસનું નિદાન થઇ શકે છે. જેમ કે,
• બ્લડ ટેસ્ટઃ બ્લડ ટેસ્ટથી ખબર પડે છે કે લિવર કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે. જેમાં સૌથી મહત્ત્વનું હોય છે લિવર ફંક્શન ટેસ્ટ. જો એલેનિન ટ્રાન્સએમિનેસ (એએલટી) અને એસ્પર્ટેટ ટ્રાન્સએમિનેસ (એએસટી)નું સ્તર વધુ છે, તો દર્દીને હેપેટાઈટિસ થઈ શકે છે. જે સિરોસિસનું મુખ્ય કારણ હોય છે.
• ઇમેજિંગ સ્ટેટઃ અલ્ટ્રાસાઉન્ડ, એમઆરઆઈ કે સીટી સ્કેનનો ઉપયોગ એ જોવા માટે કરી શકાય કે લિવર મોટું થયું છે કે નહીં. તેનાથી લિવરમાં કોઈ પણ નવા નિશાન કે સોજાની ખબર પડી શકે છે.
• બાયોપ્સીઃ તેમાં લિવર ટિશ્યુનું નાનકડું સેમ્પલ લેવામાં આવે છે અને એક માઈક્રોસ્કોપથી તપાસ કરાય છે. બાયોપ્સી સિરોસિસ અને તેના કારણની પુષ્ટિ કરી શકે છે.