ન્યૂ યોર્કઃ હકારાત્મકતા સ્વાસ્થ્યને સારું બનાવે છે એટલું જ નહીં તે લાંબા આયુષ્યની શક્યતા પણ વધારી દે છે. કારણ કે આશાવાદી થવું એ રોજ એકસરસાઇઝ કરવા જેવું હોય છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આશાવાદી લોકોમાં 90 વર્ષની ઉંમરથી વધુ જીવવાની શક્યતા હોય છે. જર્નલ ઓફ અમેરિકન જેરિયાટ્રિક્સમાં પ્રકાશિત આ રિપોર્ટમાં આશાવાદી એવા લોકોને ગણાવાયા છે જેઓ ભવિષ્યના મામલે સકારાત્મક વિચાર રાખે છે. આ સ્ટડી છેલ્લાં 26 વર્ષમાં એકત્રિત આંકડાઓ પર આધારિત છે. જેમાં અલગ-અલગ પ્રોફેશન તથા શિક્ષણ સ્તર ધરાવતી 159,225 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આશાવાદી હોવાના સવાલના જવાબમાં ટોપ - 25માં રહેલી મહિલાઓનો જીવનકાળ એવી મહિલાઓની તુલનામાં 5.4 ટકા લાંબો હતો, જે આશાવાદી નહોતી. આશાવાદી મહિલાઓની 90 વર્ષથી જીવવાની શક્યતા અન્ય મહિલાઓથી 10 ટકા વધુ હતી. અનેક અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે એક્સરસાઇઝ કરવાથી જિંદગીમાં 0.4થી 4.2 વર્ષ ઉમેરાઇ જાય છે.