લંડનઃ જીવનની ઉજળી બાજુએ જોવું જોઈએ તે હંમેશા એક સારી સલાહ રહી છે. હવે તો સંશોધકો પણ કહે છે કે હકીકતમાં આ સલાહનું પાલન કરવાથી તે તમારા જીવનને દીર્ઘાયુષ બનાવવામાં મદદરૂપ થઈ શકે. અભ્યાસમાં અમેરિકી શિક્ષણવિદોને જણાયું હતું કે ખૂબ આશાવાદ સાથે જીવતા લોકોને ‘વિશિષ્ટ દીર્ઘાયુષ્ય’ પ્રાપ્ત થવાની વધુ શક્યતા રહે છે.
વિજ્ઞાનીઓએ અંદાજ મૂક્યો હતો કે જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતા લોકોને વધુ એક્સરસાઈઝ અને ધૂમ્રપાન ન કરવા સહિતની સ્વાસ્થ્યપ્રદ ટેવો હોય છે. તેઓ સ્વસ્થતાપૂર્વક ૮૫થી વધુ વર્ષનું જીવન જીવી શકે તેવી તેમનામાં ૫૦થી ૭૦ ટકા જેટલી ખૂબ ઉંચી શક્યતા રહે છે.
‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ’ જર્નલમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ ૬૯,૭૪૪ મહિલાઓ અને ૧,૪૨૯ પુરુષોની જીવનશૈલીના લાંબા ગાળાના નિરીક્ષણ પર આધારિત હતો.