ન્યૂ યોર્ક: સ્પર્શ મન અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ખાસ કરીને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવાનું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ એસેનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્શ બાળકો તથા પુખ્ત વયના લોકોમાં પીડા, હતાશા અને ચિંતા દૂર કરવામાં અને નવજાત શિશુનું વજન વધારવામાં મદદરૂપ થાય છે.
બીજી તરફ, માથાને સ્પર્શ કરવો સૌથી વધુ ફાયદાકારક છે. સંશોધનના સહ-લેખક ડો. હેલેના હાર્ટમેને જણાવ્યું હતું કે સંમતિથી સ્પર્શ માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક છે. એટલું જ નહીં, ભારે ધાબળા વગેરે જેવી વસ્તુના સ્પર્શથી પણ શારીરિક લાભ થાય છે. જોકે માનવ સ્પર્શ માનસિક લાભ માટે વધુ ફાયદાકારક છે. માનસિક સ્વાસ્થ્ય લાભ માટે તેની અસર અસ્વસ્થ્ય લોકોમાં વધુ જોવા મળી હતી. આ સિવાય સ્પર્શ કરવાની પદ્ધતિ અને સમયગાળો બહુ મહત્ત્વનો હોવાનું જાણવા મળ્યું નથી. જોકે, પુખ્ત વયના લોકોમાં વારંવાર સ્પર્શ કરવાથી વધુ ફાયદાઓ જોવા મળે છે. સ્પર્શની ભાવના પ્રથમ શિશુમાં વિકસિત થાય છે. તે આસપાસના વાતાવરણના અનુભવની સાથે વાતચીત કરવામાં પણ મહત્ત્વપૂર્ણ છે.
નેચર હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં અગાઉ પ્રકાશિત થયેલા 212 અભ્યાસોનો સમાવેશ થાય છે. આમાં, પુખ્ત વયના લોકો સાથે સંકળાયેલા 85 અભ્યાસો અને નવજાત બાળકો સાથે સંકળાયેલા 52 અભ્યાસોના ડેટાનું પણ વિશ્લેષણ કરાયું છે.
એક અભ્યાસના તારણ મુજબ ત્વચાથી ત્વચાના સંપર્કથી પ્રિમેચ્યોર બાળકોમાં મોટા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે છ અઠવાડિયાં માટે દરરોજ 20 મિનિટની હળવા મસાજથી ડિમેન્શિયાથી પીડિત વૃદ્ધ લોકોમાં આક્રમકતામાં ઘટાડો જોવા
મળ્યો હતો.