મલ્ટિવિટામીન ગોળીઓ ખાવાથી નહિ પરંતુ, માત્ર ખોરાક દ્વારા મળતાં વિટામીનથી જ વહેલાં મૃત્યુનું જોખમ ઘટતું હોવાનું અભ્યાસમાં જણાયુ હતું. મેસેચ્યુએટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીના સંશોધકોએ વિટામીન સપ્લિમેન્ટ લેનારાં લોકો લાંબુ જીવન જીવે છે કે કેમ તેના વિશે છ વર્ષથી વધુ સમય સુધી ૨૭,૦૦૦ વયસ્કોની વિગતોનો અભ્યાસ કર્યો હતો.
તેમને જણાયું હતું કે પૂરતા પ્રમાણમાં વિટામીન કે અને મેગ્નેશિયમ લેવાથી જીવલેણ બીમારીનું જોખમ ઘટ્યું હતું. પરંતુ, તે ભોજન દ્વારા કુદરતી રીતે લેવાયાં હોય તો જ તેવું બને છે. તેની સામે જેમના આહારમાં સપ્લિમેન્ટ સિવાય પૂરતાં પ્રમાણમાં વિટામીન ‘એ’, વિટામીન ‘કે’ અને ઝીંક હતું, તેમનામાં હૃદયરોગનું જોખમ ઓછું જણાયું હતું.
‘એનાલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસીન’માં પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક ફેંગ ફેંગ ઝાંગે જણાવ્યું હતું કે,‘સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કુલ પોષક તત્વોનું પ્રમાણ વધારે છે. ખોરાકમાં કેટલાંક લાભકારક પોષક તત્વો હોય છે, જે સપ્લિમેન્ટ્સમાં હોતા નથી. જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તબીબી સલાહ અનુસાર જે લોકો સપ્લિમેન્ટ લેતા હોય તેમણે આ સંશોધનને આધારે સપ્લિમેન્ટ લેવાનું બંધ કરવું નહિ.