લંડનઃ એક અભ્યાસના તારણ અનુસાર બ્રિટનમાં વસતી મહિલાઓથી લગભગ અડધોઅડધ જ્યાં સુધી ૩૦ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી પરિવાર માંડતી નથી અને ત્યાં સુધી મોટાભાગની મહિલાઓ નિઃસંતાન રહે છે. જાહેર થયેલા આ આંકડાઓ અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સની લગભગ ૪૮ ટકા મહિલાઓ ૩૦ વર્ષ સુધીમાં માતા બની નહોતી.
એસ્ટન મેડિકલ સ્કૂલના ૧૩ વર્ષ ચાલેલાં અધ્યયનમાં લાખો લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, લગ્નજીવન આરોગ્ય માટે સારું છે. પરીણિત લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટરોલ જેવા રોગોને કારણે ઓછા મૃત્યુ થાય છે.
જે લોકો તેમના જીવનસાથીથી સંતુષ્ટ છે તેઓ તો સક્રિય જીવનશૈલી જીવતા જ હોય છે, પરંતુ જીવનસાથી સાથે રહેવાથી હતાશ વ્યક્તિને તંદુરસ્ત ટેવો પડી જાય છે અને તેનું જીવનધોરણ સુધરે છે. સહજીવન કામકાજી લોકોનું જીવન આસાન બનાવે છે.
જોકે આ આંકડાઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે કારકિર્દી માટે મહિલાઓ માતૃત્વ ધારણ કરવાનું ટાળી રહી છે. આ ઉપરાંત નિઃસંતાન રહેવાના મહિલાઓના નિર્ણયમાં નાણાંકીય દબાણ પણ ભાગ ભજવતું હોય છે. આર્થિક તણાવના કારણે મહિલાઓ એવું માનવા લાગે છે કે, તેમને ૩૦ વર્ષ સુધી બાળક પરવડી શકે તેમ નથી.