ભોજન વિના વ્યક્તિના જીવનની કલ્પના થઈ શકતી નથી, પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમના માટે ભોજન જ એક બીમારી બને છે. આ બીમાપીને ઇટિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આવા છ પ્રકારના ઇટિંગ ડિસઓર્ડરની જાણકારી મળી છે અને એ શારીરિક નહીં પણ માનસિક બીમારી છે. આમાં વ્યક્તિનું વજન વધારે ન હોય તો પણ એને લાગે છે કે વધારે જાડો છે અથવા એનું શરીર ઘાટીલું નથી. ખાસ તો મહિલાઓમાં આ બીમારી સામાન્ય હોય છે. માત્ર અમેરિકામાં 2 કરોડ મહિલાઓ અને એક કરોડ પુરુષોમાં એનોરેક્સિયા નર્વોસા નામની બીમારી છે. જ્યારે બુલિમિયા નર્વોસા નામની બીમારીમાં લોકો વધારે ખાવાનું ખાય છે. આવા લોકોને લાગે છે કે તેમનું વજન ઓછું છે. આવી બીમારી ધરાવતા લોકો શરીરને ઘાટીલુ રાખવા માટે કે વજન ઓછું કરવાના ચક્કરમાં સામાન્ય લોકો કરતાં ચાર ગણી કસરતો કરતા લાગે છે અને એના કારણે તેને ફાયદો નહીં પણ નુકસાન થાય છે.
એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીએ અમેરિકા, યુકે, ઇટલી અને ઓસ્ટ્રેલિયાના આશરે 2140 લોકો ઉપર કરેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવા લોકો વધારે કસરત કરે છે અને એનાથી તેઓ પોતાને જ વધારે નુકસાન કરે છે. ઇટિંગ ડિસઓર્ડર ધરાવતા લોકો તેમની લાઇફસ્ટાઈલ સુધારવાના બદલે વધારે કસરત કરે છે. તેઓ કોઈ મેડિકલ સલાહને અનુસરતા નથી અને તેથી વધારે પડતી કસરતના કારણે તેમને ફેક્રચર થવાનું જોખમ વધી જાય છે. ઘણા લોકોને કાર્ડિયો વેસ્ક્યુલર રોગ થાય છે. આના કારણે આવા લોકોમાં મૃત્યુનો દર પણ વધે છે. જે લોકો ઇટિંગ ડિસઓર્ડરથી પીડાતા હોય તેમને કસરત કરાવનારા લોકોએ આ બાબતો ધ્યાનમાં લેવાની જરૂરી છે. સાચી વાત તો એ છે આવા લોકોએ કસરતના બદલે તેમની લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે.