વજન ઘટાડવું હોય, ત્વચાને ચમકદાર બનાવવી હોય કે પાચનતંત્રને સુધારવું હોય... તમારું લક્ષ્ય ભલે કંઇ પણ હોય શરીરમાંથી નુકસાનકર્તા ટોક્સિન બહાર કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે ઇન્ફ્યુઝડ વોટર. એ પીવાથી તમે હાઇડ્રેટેડ તો રહેશો જ પરંતુ તમે પાણીમાં કઈ વસ્તુ નાંખો છો એના આધારે એના અન્ય ફાયદાઓ મળે છે.
ઇન્ફ્યુઝ્ડ વોટર એટલે શું?
પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે તે ઉપરાંત એ કુદરતી રીતે જ તમારું મેટાબોલિઝમ વધારે છે. જોકે વજન ઉતારવા માટે ઇન્ફ્યુઝ્ડ વોટર પીવાથી તમારી પાણી પીવાની માત્રા પણ વધી જાય છે.
ડિટોક્સ વોટર, ફ્રૂટ ફ્લેવર્ડ વોટર અથવા ફ્રૂટ ઇનફ્યુઝડ વોટર તરીકે જાણીતાં ઇન્ફ્યુઝડ વોટરમાં ઠંડા પાણીમાં ફ્રૂટ, વેજીટેબલ્સ કે હર્બ્સ નાખેલાં હોય છે. એ ફ્લેવરથી ભરપૂર તો છે જ પરંતુ તેમાં કેલરી ન હોવાથી વજન ઉતારવાના અને તંદુરસ્ત રહેવાનાં તમારા પ્રયાસોમાં એ ઘણું મદદરૂપ છે. અહીં ઇન્ફ્યુઝ્ડ વોટરની કેટલીક રેસીપી અને તેના ફાયદા જોઈએ.
ઇન્ફ્યુઝડ વોટરના ફાયદા
ઇન્ફ્યુઝડ વોટર સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ એમાં કેલરી ઝીરો હોય છે. આ ઉપરાંત એના સ્વાસ્થ્યલક્ષી અન્ય ફાયદાઓ પણ છે. એમાં કોઈ કૃત્રિમ ખાદ્યસામગ્રી હોતી નથી. આથી તમે તેટલી માત્રામાં પી શકો છો.
• મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. ફ્રૂટ્સમાં રહેલાં એક્ટિવ કંપાઉન્ડ્સ મેટાબોલિઝમને ઝડપી બનાવે છે. પરિણામે શરીર આખો દિવસ વધારે કેલરી બાળે છે. લીંબુ પાણી તેની મેટાબોલિઝમ બુસ્ટિંગ ઇફેક્ટ માટે જાણીતું છે. આ રિફ્રેશીંગ ડ્રિન્ક તમારા શરીરને એનર્જી આપે છે અને ચરબી ઘટાડે છે.
• મુડ સુધારે છે. આહલાદક તાજગીનો અનુભવ કરાવે છે.
• તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢે છે.
• તમારું પેટ ભરાયેલું રહે છે એટલે તમે વધુ જંકફૂડ ખાતાં નથી.
• તમને પરસેવો થાય ત્યારે તમારાં અંગોને હેલ્ધી રાખે છે.
• વર્કઆઉટ કરતી વખતે સ્નાયુઓનો થાક ઘટાડે છે.
• શરીરને ફેટ સેલ્સ રિલીઝ કરવામાં મદદ કરે છે.
• જ્યારે તમે આ પાણી તૈયાર કરો છો ત્યારે ફ્રૂટ્સનાં પોષક તત્ત્વો પાણીમાં ભળે છે. આ ફ્લેવર ડ્રિન્કમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયટો ન્યુટ્રીઅન્ટ્સ ભરપુર માત્રામાં હોય છે. વિટામિન વોટર, એનર્જી ડ્રિન્કસ, સોડા કરતાં આ ઘણો હેલ્ધીઅર વિકલ્પ છે.
• ઇન્ફ્યુઝ્ડ વોટરમાં વપરાયેલી સામગ્રીના કારણે ડાયાબિટીસ, ઓબોસેટી, શરદી, ફ્લુ, હૃદયરોગ જેવી શારીરિક તકલીફોનું જોખમ ઘટી શકે છે. ફ્રૂટ્સમાં રહેલા નેચરલ કંપાઉન્ડ શરીરના પીએચને મેઇન્ટેન કરવામાં મદદ કરે છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
• ફ્રૂટ ઇન્ફ્યુઝડ વોટરમાં એન્ટી-ઓક્સિડન્ટસ હોય છે જે એજિંગ પ્રોસેસ ધીમી કરે છે અને ફ્રી રેડિકલ્સને થતું નુકસાન અટકાવે છે. આ ઉપરાંત તે કોલોજનનું ઉત્પાદન વધારે છે, જેથી ત્વચા સ્મુધ અને સિલ્કી રહે છે. જો તમે એ આજે પીવાનું શરૂ કરો તો થોડાં અઠવાડિયામાં જ તરવરિયા યુવાન જેવી તાજગી અનુભવશો. ઇન્ફ્યુઝ્ડ વોટર પીવાથી ઘણી એનર્જી મળે છે. આથી જ તે એથ્લીટ્સ, ફિટનેસ ફ્રીક અને એક્ટિવ લોકો માટે ખૂબ જ સારું છે.
ઇન્ફ્યુઝડ વોટર કઇ રીતે બનાવશો?
ઇન્ફ્યુઝ્ડ વોટર બનાવવું એકદમ સહેલું છે. આના માટે જરૂરી છે સાદું પાણી અને તેમાં નાખવા માટે વેજિટેબલ કે ફ્રૂટ્સના ટુકડા. અહીં વિવિધ પ્રકારના ઇન્ફ્યુઝ્ડ વોટર બનાવવાની રીત આપી છે.
• કકુમ્બર એન્ડ જીન્જર વોટર
કાકડી અને આદુ સહેલાઇથી મળી રહે છે. આ પાણી પીવાથી તમે હાઇડ્રેટેડ તો રહો જ છો પરંતુ એનાથી વજન ઊતરે છે. પાચનક્રિયા સુધરે છે. ડાર્ક સર્કલ્સ ઓછા થાય છે, ઉબકા આવતાં અટકે છે, ગેસ થતો નથી.
કેવી રીતે બનાવશો? આ માટે તમને મધ્યમ કદની કાકડી અને અડધો ઈંચના આદુના થોડાક ટુકડા જોઈશે. એને છોલીને સ્લાઇસ કરી લો અને એક લિટર પાણીમાં નાખો. પાણીને બે કલાક રહેવા દો અને પછી પીઓ.
• મેંગો એન્ડ જીન્જર વોટર
કેરી અને આદુ બંને મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે એકદમ સારા છે. આદુ યાદશક્તિ વધારવામાં, દુખાવો ઓછો કરવામાં અને પાચનને સારું રાખવામાં મદદરૂપ થાય છે.
કેવી રીતે બનાવશો? એક બાઉલ સમારેલી કેરી અને એક ઈંચનો આદુનો ટુકડો લો. એને એક લિટર પાણીમાં નાખી એકથી ત્રણ કલાક રહેવા દો.
• એપલ-સિનેમોન વોટર
સફરજન અને તજ મેટાબોલિઝમ વધારે છે જેથી એ બંનેને ભેગા કરવાથી બેવડો ફાયદો થાય છે. સફરજનમાં વિટામિન બી અને સી ભરપુર માત્રામાં હોય છે. એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. ડાયાબિટીસ, હૃદયરોગો અને હાઇપર ટેન્શનનું જોખમ ઘટાડે છે. જ્યારે તજ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ડાયાબિટીસ સામે લડે છે.
કેવી રીતે બનાવશો? સફરજનનો ચોથા ભાગ જેટલો ટુકડો અને બે ઈંચનો તજનો ટુકડો લો. એને એક લિટર પાણીમાં નાખીને થોડીક વાર રહેવા દો. તજના ટુકડાને આખી રાત જ્યારે સફરજન સ્લાઇસને પીવાના ૨૦ મિનિટ પહેલા પાણીમાં નાખો એ સલાહભર્યું છે.
• રોઝ પેટલ્સ એન્ડ ફેનલ સીડ વોટર
ગુલાબની પાંખડીઓ સ્ટ્રેસ દૂર કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે. જ્યારે વરિયાળીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-કેન્સર ગુણો હોય છે. એ પાચન સુધારે છે.
કેવી રીતે બનાવશો? એકાદ મુઠ્ઠી ગુલાબની પાંદડીઓ અને બે ટી-સ્પૂન વરિયાળી લઈને એક લિટર પાણીમાં નાખીને ચાર કલાક રહેવા દો.