લંડનઃ એનર્જી ડ્રિન્ક્સમાં ઊંચા પ્રમાણમાં કેફિન અને સુગર હોવાના કારણે તરુણોના આરોગ્ય પર ખરાબ અસરો પડતી હોવાની ચિંતાના પરિણામે ઈંગ્લેન્ડમાં બાળકોને એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવનાર છે. સૂચિત પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો તે અંગે કન્સલ્ટેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મિનિસ્ટર્સ દ્વારા રેડ બુલ, મોન્સ્ટર એનર્જી સહિતના એનર્જી ડ્રિન્ક્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પ્રતિબંધનો અમલ ૧૬ કે ૧૮ વર્ષના તરુણોને વેચાણ પર લાગુ કરાશે તે મુખ્ય પ્રશ્ન છે. યુરોપના અન્ય દેશોની સરખામણીએ યુકેમાં બાળકો દ્વારા એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ અંદાજે ૫૦ ટકા વધુ હોવાનું મનાય છે.
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે આ કન્સલ્ટેશન સરકારની બાળસ્થૂળતા રણનીતિ સાથે સંકળાયેલ છે. સોફ્ટ ડ્રિન્ક્સ કરતા પણ સસ્તી કિંમતે વેચાતા એનર્જી ડ્રિન્ક્સના વપરાશને તપાસવો આવશ્યક બની ગયો છે. એનર્જી ડ્રિન્ક્સમાં બાળકોમાં માથા અને પેટના દુઃખાવા, હાયપર એક્ટિવિટી અને અનિદ્રાની સમસ્યા સહિત આરોગ્યના શ્રેણીબદ્ધ પ્રશ્નો સંકળાયેલા કેફિનના ઊંચા પ્રમાણના લીધે આ પ્રતિબંધ વાજબી ગણાવાઈ રહ્યો છે. સૂચિત પ્રતિબંધનો ભંગ કરનાર દુકાનોને ૨૫૦૦ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકશે.
સોફ્ટ ડ્રિન્ક્સની સરખામણીએ એનર્જી ડ્રિન્ક્સમાં ખાંડનું પ્રમાણ પણ ઘણું ઊંચુ રહે છે. સામાન્ય હળવાં પીણાં કરતાં એનર્જી ડ્રિન્ક્સમાં ખાંડનું પ્રમાણ ૬૦થી ૬૫ ટકા વધુ હોય છે. ખાંડનો વધુ વપરાશ સ્થૂળતાનું સૌથી મોટું કારણ છે. રેડ બુલ એનર્જી ડ્રિન્કનું ૨૫૦ મિલિ.નું કેન ૮૦mg કેફિન ધરાવે છે, જે કોકા-કોલા કરતાં ત્રણ ગણું છે. મોટા ભાગે ૫૦૦ મિલિ.ના કેનમાં વેચાતું મોન્સ્ટર એનર્જી ડ્રિન્ક ૧૬૦mg કેફિન ધરાવે છે. ૧૨ સપ્તાહના કન્સલ્ટેશનમાં પ્રતિ લીટર ૧૫૦mgથી વધુ કેફિન ધરાવતા પીણાં પર પ્રતિબંધની દરખાસ્ત છે.
૧૦-૧૭ વયજૂથના બે તૃતીઆંશ અને ૬-૯ વયજૂથના ૨૫ ટકા બાળકો એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ કરે છે. બાળકો અથવા યુવા વર્ગમા આહારમાં એનર્જી ડ્રિન્ક્સનું કોઈ પોષણમૂલ્ય હોવાના પુરાવા નથી. સૂચિત પ્રતિબંધ માત્ર ઈંગ્લેન્ડમાં લાગુ કરાશે. જોકે, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયલેન્ડ અનુસરણ કરી શકે છે. ગત માર્ચ મહિનામાં કેટલીક મુખ્ય સુપરમાર્કેટ ચેઈન્સ દ્વારા ૧૬થી ઓછી વયના બાળકોને એનર્જી ડ્રિન્ક્સનું વેચાણ નહિ કરવાની જાહેરાત કરાઈ છે.