લંડનઃ ઈંગ્લેન્ડમાં 11 વર્ષ જેટલી હજારો નાની બાળાઓ પોતાના પેટન્ટ્સ અને ટીચર્ચથી માનસિક દુર્દશાના લક્ષણો છુપાવતી હોવાનું સ્ટીઅર એજ્યુકેશનના સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. આ ચિંતાજનક રિપોર્ટમાં છોકરીઓ અને છોકરાઓના માનસિક આરોગ્ય વચ્ચેની ખાઈ વધી રહી હોવાનું પણ સ્પષ્ટ કરાયું છે.
ગયા વર્ષે જાહેર કરાયેલા અનેક અભ્યાસો અનુસાર વિક્રમી સંખ્યામાં બાળકો NHSની માનસિક આરોગ્યસેવાઓની સુવિધા પ્રાપ્ત કરી રહ્યાં છે. સ્ટીઅર એજ્યુકેશન દ્વારા સેકન્ડરી સ્કૂલના 15000 વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડમાં મહામારી પહેલાથી ડિસેમ્બર 2021 સુધીના ગાળામાં 92 સરકારી સેકન્ડરી શાળાના ઓનલાઈન રિસ્પોન્સીસ અનુસાર 11 વર્ષના છોકરાઓની સરખામણીએ આટલી જ વયની 30 ટકા વધુ છોકરીઓ નબળાં માનસિક આરોગ્યથી પીડાતી હોવાનું જણાયું હતું. છોકરીઓ 18 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરાઓની સરખામણીએ તેમને માનસિક આરોગ્યની સમસ્યાઓ બમણી હોવાની શક્યતા હતી.
અન્ય લોકોથી પોતાની સમસ્યાઓ છુપાવતી છોકરીઓની સંખ્યા પણ વધી હતી. મહામારી અગાઉ પોતાની દુઃખની લાગણીઓ છુપાવતી છોકરીઓનું પ્રમાણ 60 ટકા હતું જ્યારે અત્યારે આ પ્રમાણ વધીને 80ટકા થયું છે. છોકરીઓમાં માનસિક આરોગ્યની સમસ્યાઓનું જોખમ 14થી 18 વર્ષની વયના ગાળામાં સૌથી વધુ હતું. વર્ષ 2018ની સરખામણીએ 18 ટકા ઓછાં છોકરા-છોકરીઓ અન્યોનો વિશ્વાસ કરતાં હતાં, 25 ટકા ઓછાં છોકરા-છોકરીઓ ઓછું જોખમ લેતાં હતાં જ્યારે 25 ટકા છોકરા-છોકરીઓ જીવનના પડકારોનો સામનો કરવાની ઓછી પસંદગી કરતાં હતાં.
એપ્રિલથી ઓક્ટોબર 2021ના ગાળામાં પોતાને નુકસાન કરવાથી માંડી ઈટિંગ ડિસઓર્ડર સહિત વિવિધ સમસ્યાઓ સંદર્ભે સારસંભાળની જરૂર હોય તેવા 18 વર્ષથી ઓછી વયના બાળકોનું પ્રમાણ 2019ના આ જ સમયગાળાની સરખામણીએ ૭૭ ટકા વધી ગયું હતું.