લંડનઃ સતત જાગરુકતા અભિયાનોનાં પરિણામે ઈંગ્લેન્ડમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્સર રિસર્ચ યુકે દ્વારા કરાયેલા અને જામા નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત એક મોજણી અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૦૧૧ પછી દર વર્ષે આશરે ૧.૫ બિલિયન અથવા તો મહિને ૧૧૮ મિલિયન સિગારેટ ઓછી પીવાય છે. આમ, ૨૦૧૧-૨૦૧૮ના ગાળામાં સરેરાશ વપરાશ ૨૫ ટકા જેટલો ઘટી ગયો છે.
યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ની ટીમે સિગારેટના વેચાણ ડેટાની તપાસ તેમજ સ્મોકિંગ ટૂલકિટ સ્ટડીમાં ૧૩૫,૦૦૦થી વધુ લોકો દ્વારા સિગારેટના માસિક વપરાશની ચકાસણી કરી હતી. ધૂમ્રપાન કરનારાઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર પીવાતી સિગારેટનું પ્રમાણ ૨૪.૪ ટકા ઘટ્યું હતું, જેને સિગારેટના વેચાણમાં સરેરાશ ૨૪.૧ ટકાના ઘટાડાના ડેટા સાથે સુસંગત હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ૧૬ કે તેથી વધુ વયના ૧૬ ટકા જેટલા લોકો ધૂમ્રપાન કરે છે, જેમાં ૧૫.૮ ટકા સ્ત્રીઓ અને ૧૬.૭ ટકા પુરુષોનો સમાવેશ થાય છે.
UCL)ના ટોબેકો એન્ડ આલ્કોહોલ રિસર્ચ ગ્રૂપના આ અભ્યાસના મુખ્ય લેખક ડો. સારાહ જેકસને જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં એક બિલિયન સિગારેટ્સ ઓછી વેચાય અને પીવાય તે ઘણી સારી બાબત છે. ઉલ્લેખનીય છે કે સરકારે યુકેને ૨૦૩૦ સુધીમાં ધૂમ્રપાનમુક્ત કરવાની કટિબદ્ધતા જાહેર કરી છે. જોકે, તેને સંબંધિત સેવાના ભંડોળમાં વારંવાર કાપ મૂકાતો રહે છે.