લંડનઃ ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળતા અભ્યાસના તારણ અનુસાર ૧૩ જુલાઈ સુધીમાં ઈંગ્લેન્ડના ૬ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯ રોગચાળાથી ચેપગ્રસ્ત બન્યા હોઈ શકે છે. જોકે, યુકેનો સંક્રમિતોનો સત્તાવાર આંકડો ૩૧૫,૦૦૦નો ગણાવાય છે. વિશ્વના સૌથી મોટા ઘેર રહીને ટેસ્ટિંગના પ્રોગ્રામમાં કોરોના વાઈરસથી પેદા થયેલા એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં BAME વોલન્ટીઅર્સમાં કોવિડ-૧૯ના એન્ટિબોડીઝ વધુ હોવાની શક્યતા દર્શાવાઈ હતી.
ઈંગ્લેન્ડના લગભગ ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯ રોગચાળાથી ચેપગ્રસ્ત બન્યા હોઈ શકે તેમ ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા એક મોટા અભ્યાસમાં જણાવાયું છે, જે સત્તાવાર આંકડા કરતા ૧૦ ગણો ઊંચો છે. કોરોના વાઈરસ તપાસના અભ્યાસમાં સંકળાયેલા વિજ્ઞાનીઓએ ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળી લીધા હતા. વોલન્ટીઅર્સના એન્ટિબોડીઝની ચકાસણી માટે જૂન ૨૦થી જુલાઈ ૧૩ના સમયગાળામાં હોમ ટેસ્ટિંગ કિટ્સનો ઉપયોગ કરાયો હતો જેના થકી કોઈને અગાઉ ચેપ લાગ્યો હતો કે કેમ તેની જાણ થઈ શકે. અભ્યાસના તારણોમાં જણાવાયું હતું કે ઈંગ્લેન્ડની આશરે ૬ ટકા વસ્તી ૧૩ જુલાઈ સુધીમાં કોવિડ-૧૯થી સંક્રમિત થઈ હતી. અભ્યાસનો અંદાજ સાચો હોય તો કોરોના વાઈરસના તમામ કેસીસના ૧.૨૩ ટકાનું મોત થયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મૃત્યુ દરનો તાજો અંદાજ ૦.૬ ટકા દર્શાવ્યો છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ રોગચાળાના આરંભથી અત્યાર સુધી ૩૧૩,૭૯૮ કેસમાં કોવિડ-૧૯નું નિદાન થયું છે. જોકે, બ્રિટનમાં રોગચાળો શિખર પર હતો ત્યારે શ્વેબ્સના અભાવ અથવા તો દેખીતાં લક્ષણો ન હોવાથી હજારો લોકોનું ટેસ્ટિંગ કરાયું ન હતું તે પણ હકીકત છે. લોકોમાં કોરોના વાઈરસ એન્ટિબોડીઝની તપાસ વસ્તીમાં કેટલા લોકો સંક્રમિત થયા હતા તેની ગણતરી માટે ચોકસાઈપૂર્વનો માર્ગ છે. જોકે, સંશોધન અનુસાર ચેપના ૩ મહિના પછી એન્ટિબોડીઝની માત્રા ઘટતી હોવાથી માર્ચ અને એપ્રિલના રોગચાળો ટોચ પર હતો તેના સાચા કેસીસનું થોડું પ્રમાણ જ જણાયું હોઈ શકે છે.
BAME ગ્રૂપ્સમાં સૌથી વધુ કોરોના એન્ટિબોડીઝ
ઈમ્પિરિયલ કોલેજ લંડનનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટી સહિત અન્ય એન્ટિબોડી સર્વેલન્સ સ્ટડીઝના અંદાજોને સમાંતર જ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસમાં ઈંગ્લેન્ડની આશરે ૮ ટકા વસ્તીને કોરોના સંક્રમણ લાગ્યું હોવાનો અંદાજ મૂકાયો હતો. ઈમ્પિરિયલ અભ્યાસ મુજબ સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડમાં રહેતા ૩ ટકાથી ઓછાં લોકોને કોવિડ-૧૯ના એન્ટિબોડીઝ મળ્યા હતા તેની સરખામણીએ લંડનની ૧૩ ટકા વસ્તીમાં કોરોના એન્ટિબોડીઝ જણાયા હતા. લંડનમાં કેર હોમ્સ અને હેલ્થ કેરમાં કામ કરનારા તથા અશ્વેત, એશિયન અને અન્ય વંશીય લઘુમતી ગ્રૂપ્સ તેમજ વિશાળ પરિવારોમાં રહેતા લોકોને કોરોના સંક્રમણ લાગ્યાની સૌથી વધુ શક્યતા હોવાનું અભ્યાસે જણાવ્યું હતું. ચાવીરુપ વર્કર ન હોય તેવાં પાંચ ટકા લોકોની સરખામણીએ કેર હોમ્સ (૧૬ ટકા) અને હેલ્થ કેરમાં કામ કરતા (૧૨ ટકા) લોકોએ તેમના ઊંચા ટેસ્ટિંગ પરિણામો પરત કર્યા હતા. અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે ૧૭ ટકા અશ્વેત વોલન્ટીઅર્સમાં કોરોના એન્ટિબોડીઝ હતા. એશિયન અને અન્ય વંશીય લઘુમતી જૂથોમાં આ પ્રમાણ ૧૨-૧૨ ટકા હતું. બીજી તરફ, શ્વેત વોલન્ટીઅર્સમાં કોરોના એન્ટિબોડીઝ પ્રમાણ માત્ર પાંચ ટકા હતું. ૧૮-૩૪ વયજૂથના લોકોમાં કોરોના એન્ટિબોડીઝનું સૌથી વધુ આઠ ટકા પ્રમાણ હતું જ્યારે ૬૫થી વધુ વયના લોકોમાં સૌથી ઓછું ત્રણ ટકાનું પ્રમાણ હતું.