તેલ અવીવઃ ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ એવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરી છે કે જે માત્ર એક જ મિનિટમાં ટેસ્ટ રિઝલ્ટ આપી દેશે. આ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ માટે નાક, ગળામાંથી તેમજ ફૂંક મરાવીને સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટથી જાણી શકાય છે કે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ લક્ષણો વિના જ સંક્રમિત છે. સંશોધકો દાવો કરી રહ્યા છે કે આ કિટ ૯૦ ટકા સચોટ રિઝલ્ટ આપે છે. આ ટેસ્ટ કિટની કિંમત માત્ર રૂપિયા ૩,૮૦૦ છે.
સંશોધકોનું કહેવું છે કે કિટમાં ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સેન્સર વાઇરસને ઓળખવામાં મદદ કરે છે. ટેસ્ટ માટે દર્દી ટેસ્ટ કિટમાં ફૂંક મારે છે ત્યારે ડ્રોપલેટ્સના માધ્યમથી વાઇરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સર સાથે એક ક્લાઉડ સિસ્ટમ સંકળાયેલી છે. તે ક્લાઉડ સિસ્ટમ વિશ્લેષણ કરીને જણાવે છે કે રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ.
ટેસ્ટ માટે લેબની પણ જરૂર નથી
સંશોધકોનું કહેવું છે કે ટેસ્ટ કિટની કિંમત અન્ય પીસીઆર ટેસ્ટ કિટ કરતાં એકદમ ઓછી છે. વળી, આ ટેસ્ટ ગમે ત્યાં થઈ શકે છે. ટેસ્ટ માટે લેબની પણ જરૂર નથી. રેપિડ ટેસ્ટની જરૂર હોય છે તેવા એરપોર્ટ, બોર્ડર જેવા સ્થાને આ ટેસ્ટ કિટ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ટેસ્ટ કિટ એક જ મિનિટમાં કહી દે છે કે દર્દી નેગેટિવ છે પોઝિટિવ.
કોવિડ ઉપચાર માટે બે દવા અલગ તારવી
સ્પેનના સંશોધનકર્તાએ ૬,૪૬૬ દવાઓનું કોમ્પ્યૂટરની મદદથી વિશ્લેષણ કરીને બે દવા અલગ તારવી છે. બંને દવા કોરોનાના રેપ્લિકેશનને રોકવામાં મદદ કરે છે. આ રિસર્ચને કોવિડ મૂનશોટ નામ આપવામાં આવ્યું છે. સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે બંને દવા દર્દીને વેન્ટિલેટર સુધી પહોંચાડવા માટે જવાબદાર કોરાનાના એન્જાઇમ પર લગામ લગાવે છે.