ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારે?
આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. વિશ્વની ઘણી સેલિબ્રિટીઝ આ પ્રકારના ઉપવાસથી તેમને ફાયદો થયો હોવાનું જણાવે છે અને સંશોધનો પણ બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટરોલના પ્રમાણમાં ટુંકા ગાળાનો ફાયદો થતો હોવાનું સ્વીકારે છે. જોકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં સરેરાશ 49 વર્ષની વયના 20,000 પુખ્ત લોકોમાં 17 વર્ષ સુધીના લાંબા ગાળાના પરિણામો ચકાસવામાં આવ્યા ત્યારે અલગ જ તારણો બહાર આવ્યા હતા. આમાંથી 840 લોકોનું હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોત થયું હતું. 12થી 16 કલાકના ગાળા દરમિયાન ભોજન કે નાસ્તો લેનારા લોકોની સરખામણીએ માત્ર 8 કલાકના ગાળામાં ભોજન કે નાસ્તો કરનારા લોકોમાં હાર્ટ એટેક્સ અથવા સ્ટ્રોક્સના કારણે મોતની શક્યતા બમણી જણાઈ હતી. આ તારણો શિકાગોમાં અમેરિકન હાર્ટ એસોસિયેશન સમક્ષ રજૂ કરાયાં હતાં. જોકે, અભ્યાસમાં ભાગ લેનારા લોકોની ભોજનની આદતો વિશેની માહિતી મર્યાદિત હોવાથી આ પરિણામો કે તારણો મુદ્દે સાવધાની રાખવાની ચેતવણી સંશોધકોએ આપી છે કારણકે તેનાથી કોઈ વિશેષ પુરવાર થતું નથી. મર્યાદિત ભોજન કલાકોના લીધે લોકોને કેલોરીમાં કાપ મૂકવામાં મદદ મળે છે અને ટુંકા ગાળાના લાભો મળે છે. જે કેલોરી લેવાતી હોય તેમાં ઓછાં પોષણમૂલ્યનો આહાર અથવા જન્ક ફૂડ લેવાય તો લાંબા ગાળે વિપરીત અસરો જોવા મળે છે.
•••
વિશ્વમાં 3.4 બિલિયનથી વધુ લોકોને ન્યૂરોલોજિકલ સમસ્યા
વિશ્વમાં 3.4 બિલિયનથી વધુ એટલે કે કુલ વસ્તીના 43.1 ટકા લોકો ન્યૂરોલોજિકલ-ચેતાતંત્રીય સમસ્યા સાથે જીવી રહ્યા છે અને વધુ લોકોને તેનું નિદાન થઈ રહ્યું હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. આ અવસ્થામાં ઔટિઝમ, અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ સહિતના રોગોનો સમાવેશ થાય છે. ધ લાન્સેટ ન્યૂરોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણોની ચિંતાજનક બાબત એ છે કે 1990 પછી આવી અવસ્થાને સંબંધિત અક્ષમતા અને મોતમાં 18 ટકાનો વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના યોગદાનથી સંશોધકોએ ગ્લોબલ બર્ડન ઓફ ડીસિઝ, ઈન્જરીઝ એન્ડ રિસ્ક ફેક્ટર સ્ટડી (GBD) 2021ના ડેટાના વિશ્લેષણના આધારે આ તારણો આપ્યા છે. GBDના રિપોર્ટમાં 1990થી 2021ના ગાળામાં 200થી વધુ દેશો અને પ્રદેશોમાં ફેલાયેલા અને 371 રોગના ડેટાને આવરી લેવાયો છે. સંશોધકોએ તેમાંથી નર્વસ સિસ્ટમને લાગુ પડતી ન્યૂરોલોજિકલ કંડિશન્સ અને ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સથી આરોગ્યને નુકસાન વિશે અભ્યાસ કર્યો હતો. જેમાં મુખ્યત્વે સ્ટ્રોક્સ, અલ્ઝાઈમર્સ ડીસિઝ અને અન્ય સ્મૃતિભ્રંશ, ઔટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, એન્સેફેલાઈટિસ અને મેનિન્જાઈટિસ, પાર્કિન્સન્સ ડીસિઝ, ડાયાબિટીક ન્યૂરોપેથી, એપિલેપ્સી (વાઈ), મલ્ટિપલ સ્ક્લેરોસિસ (MS) અને નર્વસ સિસ્ટમ કેન્સરનો સમાવેશ થયો હતો. સંશોધકોએ ચિંતા દર્શાવી હતી કે 1990 પછીના ગાળામાં પગ અને પંજામાં ચેતાતંત્રને નુકસાન પહોંચાડતી અને જોખમી ચેપ તેમજ અંગવિચ્છેદ તરફ લઈ જતી ડાયાબિટીક ન્યૂરોપેથીની સમસ્યા સૌથી ઝડપે વધી છે.