લંડનઃ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં વધુ હોય તો તેમને મેદસ્વિતાનું જોખમ વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. ‘ઓબેસિટી’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના ભાગરૂપે ૨.૮ મિલિયન બાળકોની તપાસ કરવામાં આવી હતી. પહેલા બેથી ૧૩ વર્ષના બાળકોની તપાસ કરાઈ હતી. સરેરાશ ચાર વર્ષ પછી માત્ર ૧૩ વર્ષ સુધીના બાળકોની ફેરતપાસ કરાઈ હતી.
સંશોધકોને ફેરકપાસમાં જણાયું હતું કે જે બાળકોની ઊંચાઈ સરેરાશ કરતાં વધુ હતી તેમનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) ઓછી ઊંચાઈના બાળકો કરતાં વધુ હોવાની શક્યતા હતી. બાળક સાત વર્ષથી નાનું હોય ત્યારે કરાયેલી તપાસની સરખામણીએ ફેરતપાસમાં ઊંચાઈ અન મેદસ્વિતા વચ્ચે મજબૂત કડી હોવાનું જણાયું હતું.
અભ્યાસના લેખક ડેવિડ એસ ફ્રીડમેને જણાવ્યું હતું કે બન્ને વચ્ચેની અડધી કડી બાળકના શરૂઆતના બોડી માસ ઈન્ડેક્સ સાથે જોડાણ હોય. કયા બાળકો મેદસ્વી બનશે તેને ચોક્કસપણે તારવવા હોય તો તેમની ઊંચાઈનો ઉપયોગ ખૂબ સરળ માર્ગ છે.