જીવનમાં ઉત્સુક્તા જળવાઇ રહેવી જોઇએ. તેનાથી આપણને શીખવામાં મદદ મળે છે અને તણાવ પણ દૂર થાય છે. યાદશક્તિ અને ક્રિએટિવિટી વધે છે. જોબમાં પણ મન લાગેલું રહે છે. જીવનમાં ઉત્સુકતા કેટલી જરૂરી છે અને તેના શું ફાયદા હોઇ શકે છે તે વિષય પર અભ્યાસ કરાયો હતો તેમાં આ જાણવા મળ્યું છે. આ અભ્યાસનો ઉદ્દેશ ઉત્સુકતા વધારીને તેના દ્વારા વધુ ફાયદો મેળવવાનો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઉત્સુકતાને
કારણે હકીકતને યાદ કરવાની શક્યતા 30 ટકા વધી જાય છે.
આપણે જ્યારે પણ કંઇક નવું અને જટિલ શીખવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ છીએ ત્યારે ઉત્સુકતા આપણી મેમરીને બૂસ્ટ કરે છે, જેના કારણે આપણને સંબંધિત કામ વધુ આકર્ષક લાગે છે. તેમાં આપણું મન લાગેલું રહે છે. આ દરમિયાન આપણે જે તથ્યો અંગે ઉત્સુકતાથી કામ કરીશું તે તથ્ય આપણને લાંબા સમય સુધી યાદ રહેશે. અન્ય એક સંશોધન મુજબ ઉત્સુકતા આપણને વધુ ક્રિએટિવ અને સમસ્યાના ઉકેલમાં મદદરૂપ બનાવે છે. આઇડિયા લિન્કિંગમાં પણ તેનાથી ફાયદો થાય છે. અમેરિકા અને જર્મનીના ઉદ્યોગોની એક શૃંખલાના 800થી વધુ લોકો પર એક સંશોધન કરાયું. તેમાં દૈનિક જીવનમાં જિજ્ઞાસાના અનુભવોના મુદ્દે તેમનું મૂલ્યાંકન કરાયું. તેનાથી સામે આવ્યું કે જે લોકો ઉત્સુક હતા તેઓ પોતાના કામનો અન્ય લોકોની સરખામણીમાં વધુ આનંદ લઇ રહ્યા હતા.
ઉત્સુકતાથી આપણું ધૈર્ય પણ વધે છે. ડ્યૂક યુનિવર્સિટીના પીએચ.ડી.ના સ્ટુડન્ટ અબીગૈલ હિસંગને રિસર્ચથી જણાયું કે ઉત્સુકતામાં વધારાને કારણે લોકો ઉકેલ શોધવા માટે પ્રતીક્ષા કરવા ઇચ્છુક હોય છે જ્યારે જટિલ વિષયોમાં ગહન શિક્ષણ અને સમજની શક્યતા પણ વધી જાય છે.