જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે આપણે પોતાની રીતે કોઇ ખાસ વ્યક્તિની મદદ કરવા લાગી જઇએ છીએ. ક્યારેક તેને તેની પસંદગીની ખાવાની ચીજો કે ચોકલેટ આપીએ છીએ, તો ક્યારેક તેને થોડાક સમય એકલા છોડી દઇએ છીએ. તાજેતરમાં જ થયેલા અભ્યાસમાં જણાયું છે કે દરેક વ્યક્તિના મૂડને સ્વસ્થ કરવાની રીત ઉદાસી માટેનાં કારણ પર નિર્ભર હોય છે, પરંતુ બહુમતી કિસ્સામાં શાંત રહેવા અથવા તો મનને મનાવવા કરતાં ઉદાસ વ્યક્તિ સાથે બેસી વાત કરવાની બાબત વધારે યોગ્ય છે. કારણ કે આ લોકોને પોતાની દરેક વાત માટે નજીકના લોકોની સહમતિની જરૂર હોય છે. શબ્દ લોકોની ભાવનાને આકાર આપવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ફીડબેકના બીજા રસ્તા પણ છે. તમામ બાબતો હવે સારી થશે તેમ કોઇ વ્યક્તિને સમજાવવાની બાબત અથવા તો સ્થિતિને નવા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રોત્સાહિત કરવાનો વિકલ્પ પણ સારો છે.
ઉદાસી દૂર કરતી વેળા શબ્દોની પસંદગી વિચારી-સમજીને કરો. કેટલીક વખત તમારી હાજરી જ કોઇને વધારે સારો અનુભવ કરવામાં મદદ કરે છે. કોઇ વારંવાર એમ કહે કે ‘તમને આટલું માઠું ન લાગવું જોઇએ’ અથવા તો ‘આ એટલી મોટી વાત નથી’ તો આનાથી તે વ્યક્તિને ખરાબ લાગી શકે છે.