લંડનઃ કોઈ પણ વ્યક્તિનાં જન્મ સાથે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નિશ્ચિત હોય છે અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો શરીરમાં કરચલીઓ અને નિસ્તેજ ચહેરા સામે આવી જાય. જોકે, ‘The Journals of Gerontology, Series A: Biological Sciences and Medical Sciences’- જેરેન્ટોલોજી જર્નલના સહતંત્રી ડો. રોઝલીન એન્ડરસનનો દાવો છે કે વૃદ્ધાવસ્થામાં કરચલી અનિવાર્ય નથી તે વિશે લોકો બરાબર જાણતાં નથી. લોકો કેવો આહાર લે છે તેનો પ્રભાવ વૃદ્ધાવસ્થા પર જણાય છે. મધ્ય વયમાં ઉપવાસ કરવાથી લોકો લાંબુ જીવી શકે છે.
ભારતમાં જેનું માહાત્મ્ય છે તેવા ઉપવાસથી વૃદ્ધાવસ્થાનાં લક્ષણોને દૂર રાખી શકાય છે. તેમના પરીક્ષણોમાં ઉપવાસના લાભની બાબત પુરવાર થઈ છે. જો લોકો દરરોજ આહારમાં ૨૫ ટકા કેલરી ઓછી લે તો વૃદ્ધ થવાની તેમની ગતિ ૦.૬ વર્ષ જેટલી મંદ પડે છે. આનો અર્થ એ થાય કે પુખ્ત પુરુષે ૨૪ કલાકમાં ૧,૮૭૫ કેલરી અને સ્ત્રીએ ૧,૫૦૦ કેલરીના પ્રમાણને વળગી રહેવું જોઈએ.
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન ખાતે મેટાબોલિઝમ ઓફ એજિંગ રિસર્ચ પ્રોગ્રામના વડા ડો. એન્ડરસન કહે છે કે, ‘ઉંદર અને માનવીઓ પરના પરીક્ષણો દર્શાવે છે કે આખરે તો તમે જે આહાર લો છો તે જ તમે કેવી રીતે વૃદ્ધ થશો તેના પર પ્રભાવ પાડે છે. વૃદ્ધાવસ્થા ધીમી પાડી શકાય છે અને કેલરી નિયંત્રણ સંશોધન આ પુરવાર કરે છે. આશરે ૮૦થી વધુ વર્ષ અગાઉ ઉંદર પરના અભ્યાસોમાં વિજ્ઞાનીઓને સૌપ્રથમ વખત કેલરી ઘટાડવાથી દીર્ઘાયુષી અસર જાણવા મળી હતી. ટેકનોલોજીમાં પ્રગતિ થવા સાથે આહારવિવાદ સાથે તેની કડીઓને સમર્થન મળ્યું હતું.
તાજેતરના વર્ષોમાં એવી ચિંતા દર્શાવાઈ હતી કે ડાયેટથી મેટાબોલિઝમ ધીમું પડવાની વિપરીત અસર સર્જાય છે. કેલરીમાં ઘટાડો થાક-નબળાઈ, પોષકતત્વોની ઉણપ તેમજ સ્ત્રી-પુરુષોમાં ફળદ્રૂપતાને નુકસાન તરફ દોરી જાય છે તેવી માન્યતા પણ હતી. જોકે, આ પછીના અભ્યાસોમાં અવારનવાર જણાયું હતું કે આહારના પરિણામે કેન્સર, હૃદયરોગો અને ડાયાબીટીસ જેવાં જીવલેણ રોગોનું જોખમ પણ ઘટે છે.
મે મહિનામાં ‘CALERIE’ અભ્યાસમાં જોવાં મળ્યું હતું કે ઓછી કેલરીનો આહાર જીવન લંબાવતી અસર કરે છે. ઓછી કેલરીનો આહાર લેતાં લોકોના જીવનકાળમાં ૦.૧૧ વર્ષનો વધારો થયો હતો, જેનાથી વિપરીત સામાન્ય આહાર લેનારનું જીવન ૦.૭૧ વર્ષ વૃદ્ધ બન્યું હતું. ડો. એન્ડરસન કહે છે કે શરીરમાં લેવાતો ખોરાક ઘટાડવાથી વૃદ્ધાવસ્થા સાથે આવતી બીમારીઓ સામે લડવા માટે શરીર વધુ સક્ષમ બને છે. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન દ્વારા અગાઉના અભ્યાસમાં જણાયું હતું કે નાના ભારતીય વાનરને ૨૦ ટકા ઓછો ખોરાક અપાયો હતો તેઓ સરેરાશ આયુષ્યથી નવ વર્ષ વધુ જીવ્યા હતા.
વૃદ્ધત્વની પ્રક્રિયાને પણ ઉલટાવી શકાય છે
નિત્ય યુવાન રહેવાનું કોને ન ગમે? આ તો કલ્પના છે પરંતુ, વિજ્ઞાનીઓ માને છે કે વૃદ્ધત્વની પ્રક્રિયાના લક્ષણો ઉલટાવવાનો માર્ગ તેમણે કદાચ શોધી લીધો છે. લેક્સિંગ્ટનમાં યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના સંશોધકો ઉંદરોમાં આ અનિવાય પ્રક્રિયાને પાછી લઈ જવા તેમજ યાદશક્તિ ક્ષીણ થતી અટકાવવામાં સફળ રહ્યા હતા. ‘ધ જર્નલ ઓફ ન્યુરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર કરચલીઓ થતી અટકાવવાનું કદાચ ‘FKBP1b’ નામના પ્રોટીનનું કાર્ય જાણવા જેટલું જ સરળ છે. આ પ્રોટીન મગજમાં યાદશક્તિ માટે જવાબદાર હિપ્પોકેમ્પસ વિસ્તારમાં કેલ્સિયમનું પ્રમાણ નિયંત્રિત રાખે છે. માનવશરીરને સમકક્ષ ઉંદરોમાં આ પ્રાયોગિક પ્રોટીનના ઈન્જેક્શન્સ આપવામાં આવ્યાં હતાં. વૃદ્ધાવસ્થાના લીધે યાદશક્તિ ક્ષીણ થઈ તે અગાઉ ૧૩ મહિનાની સારવારમાં જન્મજાત અવદશાને અટકાવી શકાઈ હતી. યાદશક્તિ ક્ષીણ થવાની શરુઆત થઈ ત્યારે જે ઉંદરોને આ પ્રોટીનના ઈન્જેક્શન અપાયાં તેમનામાં ડીમેન્શિયા જેવી માનસિક અવદશા રિવર્સ થઈ હતી. અલગ વિશ્લેષણમાં એમ જોવાં મળ્યું હતું કે ‘FKBP1b’ સારવારથી વૃદ્ધાવસ્થામાં નિષ્ક્રિય બની જતાં ૮૭૬ જીન્સમાં નવેસરથી સક્રિયતા દેખાઈ હતી.