જે મહિલાઓ ઓછી ઊંઘ લેતી હોય છે અથવા તો અનિદ્રાથી પીડાતી હોય તેઓ વધુ કેલેરીયુક્ત ભોજન લેતી હોય છે. સંશોધકોએ 500થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કર્યો હતો. જેમાં જણાયું હતું કે જે મહિલાઓને ઊંઘ આવવામાં વધુ સમય લાગતો હતો તેઓ વધુ કેલરીયુક્ત પદાર્થોનું સેવન કરતી હતી. જે મહિલાઓ આખી રાત ઊંઘવાની મુશ્કેલી અનુભવતી હતી. તેઓ વધુ ચરબીયુક્ત પદાર્થો ખાવાનું પસંદ કરતી હતી.
સંશોધકોએ જણાવ્યું કે, સામાન્ય રીતે તમારી આંખો બંધ થયા પછી પણ ઊંઘ આવતી ન હોય અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલતી હોય ત્યારે મગજને ખોટા સંદેશ મળે છે. ક્યારેક એમ લાગે છે કે, પેટ સાવ ખાલી છે કે અને કંઈક ખાવું પડશે તો ક્યારેક એમ બને છે કે, પેટ અત્યંત ભરેલું છે અને તેથી ઊંઘ આવતી નથી.
આવા લોકોને લાંબા ગાળે હૃદયની બીમારીઓ પણ થતી હોવાનું સામે આવ્યું છે. જે મહિલાઓ અનિદ્રાથી પીડાય છે તેઓ વધુ પડતું ભોજન કરે છે જેના કારણે સ્થૂળતા વધે છે અને લાંબા ગાળે તે હૃદયરોગ સહિતના અન્ય રોગો તરફ દોરી જાય છે. ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે, તેમણે મહિલાઓના ભોજન અને ઊંઘ વચ્ચે સૌથી વધારે સંબંધ હોવાનું તારણ કાઢ્યું છે. મહિલાઓને સામાન્ય રીતે ઊંઘની સમસ્યા હોય જ છે, પણ તેઓ આ કારણે વધુ ભોજન તરફ ફંટાય છે.