બૈજિંગઃ ઘણી વખત રાતે સૂતા પહેલાં હૂંફાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેની પાછળ એક નહીં, અનેક કારણો રહેલાં છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, હૂંફાળુ દૂધ અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. ચીનના નેશનલ નેચરલ સાયન્સ ફાઉન્ડેશનના રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ છે.
સંશોધકોના મતે દૂધમાં ટ્રિપ્ટોફન નામનો એમિનો એસિડ હોય છે. આ સિવાય તેમાં મિલ્ક પેપ્ટાઇડ કૈસિન હાઇડ ડ્રોલિસેટ પણ હોય છે, જે તણાવ ઘટાડે છે અને ઊંઘને સુધારે છે. આ બે ચીજો મળીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. રિસર્ચર લિન ઝાંગનું કહેવું છે કે, અમને એ જાણવા મળ્યું છે કે દૂધમાં રહેલા ખાસ પ્રકારના મિલ્ક પેપ્ટાઇડ નીંદર લાવવામાં મદદ કરે છે. ઇંગ્લેન્ડની રીડિંગ યુનિવર્સિટીના રિસર્ચરનું કહેવું છે કે, હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ૧૪ ટકા સુધી ઘટાડવું હોય તો દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું રહેવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે. આ સિવાય દૂધ હાડકાંની મજબૂતી માટે બહુ જરૂરી છે અને તેનાથી વિટામીન અને પ્રોટીનની ઊણપ પણ પૂરી થાય છે.
ઘણા લોકો એવું માનતા હોય છે કે દૂધ પીવાથી ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. જોકે નવા રિસર્ચમાં સંશોધકોએ દાવો કર્યો છે કે દૂધ પીવાથી ડાયાબિટીસ થાય છે તેવા કોઈ પુરાવા મળી આવ્યા નથી. ગાયના દૂધમાં અન્ય દૂધની સરખામણીએ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. ગાયના શુદ્ધ દૂધમાં પ્રોટીન અને વિટામીન ડી વધારે પ્રમાણમાં મળી આવે છે.