લોકો જેમ વૃદ્ધ થતા જાય છે તેમ તેમની ઊંઘમાં અવરોધો સર્જાય અને ઘટાડો થાય છે. રાતના સમયે ઘેરી નિદ્રા ન આવવી, ઊંઘ આવવામાં વધુ સમય લાગવો, વહેલા ઊંઘ આવી વહેલા જાગી જવું, ઊંઘમાંથી વારંવાર જાગી જવું અને દિવસમાં ઝોકાં આવવા સહિતની સમસ્યાઓ જોવાં મળે છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના જણાવ્યા અનુસાર યુએસમાં 65થી વધુ વયના 11.9 ટકા વયોવૃદ્ધો તેમજ18 વર્ષથી વધુ વયના 8.4 ટકા વયસ્કો સારી રીતે ઊંઘી શકાય તે માટે નિયમિતપણે દવાઓ લેતા હોય છે. જોકે, આવી દવાઓ લાભની જગ્યાએ નુકસાન કરનારી બની શકે છે. સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા જર્નલ ઓફ અલ્ઝાઈમર્સ ડીસીઝમાં પ્રકાશિત નવા અભ્યાસમાં જણાયું છે કે ઊંઘવાની દવાઓના કારણે ડીમેન્શિઆનું જોખમ, ખાસ કરીને શ્વેત લોકોમાં વધે છે.