ઊંઘમાં મગજની સાફસફાઈ થાય છે કે નહિ?
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી હોઈ શકે તેમ જણાયું છે. અભ્યાસના તારણો જણાવે છે કે ઉંદરોમાં રાત્રિની નિદ્રા અથવા એનેસ્થેસિયા અપાયું હતું તે દરમિયાન નહિ પરંતુ, તેઓ જાગ્રતાવસ્થામાં હતા ત્યારે ઝેરી કચરો અને મેટાબોલાઈટ્સનું વધુ સફાઈકામ થયું હતું. લાંબા ગાળા સુધી અપૂરતી નિદ્રાના પરિણામે, માનસિક સજ્જતાના અભાવ સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ, ડિમેન્શીઆ અને અલ્ઝાઈમર્સ થવાનું જોખમ હોવાની વાત જાણીતી છે પરંતુ, નવું સંશોધન સ્પષ્ટ કરે છે કે નિદ્રા દરમિયાન મગજની સાફસફાઈ થવા કે ન થવા સાથે આનો કોઈ સંબંધ નથી. તમામ સસ્તન્ય પ્રાણીઓ ઊંઘ લે છે. જોકે, તેનાથી કેટલાં અને શું લાભ પ્રાપ્ત થાય છે તેના વિશે કોઈ ચોક્કસ નથી. આગલા દિવસની સ્મૃતિઓ પર પ્રોસેસિંગ કરવા સહિત અનેક થીઅરીઓનું અસ્તિત્વ છે. એક માન્યતાને સૌથી વધુ જોર મળ્યું છે તે એ છે કે ઊંઘના ગાળામાં શરીર મગજની સાફસફાઈ કરે છે. ‘નેચર ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ ઉંદરો પરના અભ્યાસમાં જણાયું હતું કે તેઓ જાગ્રતાવસ્થામાં હતા તેની સરખામણીએ નિદ્રા દરમિયાન ફ્લોરોસેન્ટ ડાઈ (ઝેરીલો કચરો)ની સફાઈ 30 ટકા ઓછી થઈ હતી. ઉંદરો એનેસ્થેશિયા હેઠળ હતા ત્યારે ડાઈની સફાઈ 50 ટકાથી ઓછી થઈ હતી. જોકે, આ પ્રયોગો ઉંદરો પર કરાયા હતા અને માનવીઓ નિદ્રામાં મગજની સાફસફાઈ બાબતે કેવો પ્રતિસાદ આપે છે તે હજુ સ્પષ્ટ નથી. શરીરના આંતરિક ઘડિયાળના કારણે સર્જાતી જૈવિક પ્રક્રિયાઓ પણ મગજની સાફસૂફીમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
•••
બ્લડ ક્લોટ્સ હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી સમસ્યા લાવે
આપણા લોહીમાં ગંઠાઈ જવાનો એક ઉપયોગી ગુણ છે જેનાથી ઈજા સમયે વધુ પડતું લોહી વહી જતું નથી. જોકે, લોહી વધુપડતું ગંઠાય તો શરીરમાં અલગ અલગ પ્રકારના ગઠ્ઠા કે ક્લોટ્સ ઉભાં થાય છે જે હાર્ટ એટેક, સ્ટ્રોક અને પલ્મોનરી એમ્બોલિઝમ (PE)નું કારણ બની જાય અને મેડિકલ ઈમર્જન્સી ઉભી કરે છે. વિશ્વમાં દર છ મિનિટે એક વ્યક્તિ બ્લડ ક્લોટ્સના કારણે મોતનો શિકાર બને છે. આપણું લોહી પ્રવાહી છે પરંતુ, ઈજા સમયે કોએગ્યુલેશન પ્રોસેસ થકી જેલી પ્રકારનો ગઠ્ઠો બને છે જે ઈજાગ્રસ્ત રક્તવાહિનીનું કાણું પૂરી દે છે. શરીરમાં કોઈ પણ કારણ વિના જ ક્લોટ બને છે અને લોહીના પ્રવાહ સાથે આગળ વધે છે જો શરીરમાં ફેફસાં, હૃદય, મગજ જેવા અવયવોમાં પહોંચે તો રક્તપ્રવાહને અવરોધી ગંભીર અને જીવલેણ સમસ્યા ઉભી કરી શકે છે. આ મહત્ત્વના અંગોને કામ કરવા ઓક્સિજનની જરૂર રહે છે. રક્તપ્રવાહ થકી તેમને જરૂરી ઓક્સિજન મળી રહે છે. ક્લોટના લીધે રક્તપ્રવાહ અવરોધાય તો ઓક્સિજન નહિ મળવાથી મગજના કોષો ચાર મિનિટ પછી મરવા લાગે છે. અવયવો અને તેમની કામગીરીને કાયમી નુકસાન પણ પહોંચે છે. ધમની અને શિરામાં સર્જાયેલા ક્લોટને થ્રોમ્બસ કહે છે. છૂટો પડી ગયેલો અને શરીરના બીજા અંગો તરફ આગળ વધતા ક્લોટને એમ્બોલસ કહેવાય છે. શુદ્ધ લોહી વહન કરતી ધમનીમાં રહેલાં ક્લોટ્સ આર્ટ્રિયલ અને અશુદ્ધ લોહી વહન કરતી શિરામાં રહેલા ક્લોટ્સ વેનસ તરીકે ઓળખાય છે. શરીરમાં ઊંડે રહેલી શિરામાં સર્જાતા ક્લોટ્સનો સૌથી જોખમી પ્રકાર ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) કહેવાય છે. આવા ક્લોટ્સ ખાસ કરીને નીચલા પગ, સાથળ, પેઢુ અને ઘણી વખત હાથમાં પણ થાય છે. જો આ સ્થળોએથી લોહીનો ક્લોટ છૂટો પડી ફેફસામાં પહોંચી બ્લોકેજ ઉભો કરે તેવી સ્થિતિ પલ્મોનરી એમ્બોલિઝમ (PE) કહેવાય છે જેમાં ફેફસાંને મળતો રક્તપ્રવાહ અટકે છે અને મોતનું કારણ પણ બને છે. બલ્ડ ક્લોટ્સ થતાં અટકાવવા માટે વધુ પાણી-પ્રવાહી લેવું, ધૂમ્રપાન ન કરવું, જો લાંબા સમય બેસી રહેતા હો તો થોડા થોડા સમયે ઉભા થઈને ફરતા રહેવું જેવી સાવચેતી રાખવી જોઈએ.