લંડનઃ ઊંચા કે લાંબા લોકોને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે કારણકે તેમના શરીરમાં કોષોનું પ્રમાણ વધારે હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને જણાયું છે કે સામાન્ય ઊંચાઈ કરતાં દર ૧૦ સેન્ટિમીટર વધુ ઊંચાઈ માટે કેન્સર થવાનું જોખમ ૧૦ ટકા વધે છે. તેમની ગણતરી અનુસાર પુરુષોની સરેરાશ ઊંચાઈ ૧૭૫ સે.મી. (પ ફૂટ ૯ ઈંચ) અને સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ ૧૬૨ સે.મી. (પ ફૂટ ૪ ઈંચ) હોય છે. સંશોધનનું બીજું તારણ એ પણ છે કે પુરુષની (૯ ટકા) સરખાણીએ સ્ત્રીને (૧૨ ટકા) કેન્સર થવાનું જોખમ વધુ રહે છે.
વિજ્ઞાનીઓએ અગાઉ પણ જણાવ્યું હતું કે ચોક્કસ વૃદ્ધિ હોર્મોન્સ અથવા બાળપણના આહાર અથવા માંદગી જેવાં પર્યાવરણીય પરિબળોની ભૂમિકાના કારણે ઊંચાઈ અને કેન્સરને સંબંધ હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઈડના બાયોલોજીના પ્રોફેસર લિયોનાર્ડ નુન્નીના જણાવ્યા અનુસાર બાળપણમાં જે થાય તેનાથી ઊંચાઈ વધવાનું તેમજ કોષો કેન્સર સંબંધે વધુ શંકાસ્પદ બને છે.
અભ્યાસમાં કોરિયા, નોર્વે, ઓસ્ટ્રિયા અને સ્વીડનના વિશાળ ડેટા ધ્યાનમાં લેવાયો હતો, જેમાં કેન્સરની ૨૩ ઘટનામાં ૧૮ ઘટનામાં ઊંચાઈ સંકળાયેલી જણાઈ હતી. વૃદ્ધિને ઉત્તેજન આપતા IGF-1 હોર્મોન કેન્સર થવામાં કારણભૂત બને છે. જોકે, કેન્સર રિસર્ચ યુકેના જ્યોર્જિના હિલે કહ્યું હતું કે ઊંચા લોકોને કેન્સર થવાનું જોખમ રહે છે પરંતુ તેનું પ્રમાણ ઓછું છે તેમજ ધૂમ્રપાન બંધ કે ઓછું કરી અને તંદુરસ્ત વજન જાળવીને તમે કેન્સર થવાનું જોખમ ઘટાડી જ શકો છો.