નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો નવાઇ નહીં. વિજ્ઞાનીઓને હવે એવું વસ્ત્ર તૈયાર કરવામાં સફળતા મળી છે કે જેની મદદથી તમે સરળતાથી હૃદયના ધબકારા અને શ્વાસની ગતિવિધિ પર નજર રાખી શકો છો. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) તેમજ રહોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈન (આરઆઈએસડી)ના વિજ્ઞાનીઓએ એક એવું વસ્ત્ર વિકસાવ્યું છે કે જેની મદદથી આપણે હૃદયના ધબકારા અને શ્વાસોચ્છશ્વાસને સારી રીતે સાંભળી શકીએ છીએ. એટલું જ નહીં, આસપાસના ધીમા મંદ અવાજોને પણ સાંભળી શકીએ છીએ. આમ આ ફેબ્રિક માઇક્રોફોન અને સ્પીકર એમ બંનેની ભૂમિકા નિભાવે છે.
એક નેચર જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં એમઆઈટીના મુખ્ય વિજ્ઞાની વેઈ યાનને ટાંકીને જણાવાયું છે કે, ‘આ વસ્ત્ર માનવ ત્વચા સાથે સ્પષ્ટપણે ઇન્ટરફેસ કરી શકે છે.
તેને ધારણ કરનાર હૃદય અને શ્વાસની સ્થિતિ પર નજર રાખી શકે છે.’ તેમનું કહેવું છે કે વસ્ત્રને હજી અપગ્રેડ કરવા વિજ્ઞાનીઓ પ્રયાસ કરી રહ્યા છે. તેની મદદથી ભવિષ્યમાં સ્પેસફ્લાઈટ અને ઇમારતમાં પડેલી તિરાડને પણ મોનિટર કરી શકાશે.
અવાજ કઈ રીતે સંભળાય છે?
વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ એક માઇક્રોફોન જે રીતે કામ કરે છે તે જ રીતે આ વસ્ત્ર ધ્વનિનું યાંત્રિક કંપનમાં પરિવર્તન કરે છે. આ પછી વસ્ત્ર આપણા કાન જે રીતે કામ કરે છે તે રીતે જ યાંત્રિક કંપનને વિદ્યુત સંકેતોમાં તબદીલ કરી નાખે છે. એમઆઇટીના વિજ્ઞાની યોએલ ફિંક કહે છે કે માનવ શરીરમાં કાન જે ભૂમિકા નિભાવે છે તે ભૂમિકા નિભાવી શકે તેવું વસ્ત્ર તૈયાર કરવાનું બીડું અમે ઝડપ્યું હતું, જેમાં અમે સફળ થયા છીએ.