લંડનઃ અત્યાર સુધી કહેવાતું અને મનાતું રહ્યું છે કે દરરોજ એક ગ્લાસ વાઈન પીવો તે તંદુરસ્તી માટે લાભકારી છે. જોકે, હાર્ટ નિષ્ણાતોએ આ માન્યતા-દંતકથાને ખોટી ગણાવી છે. વર્લ્ડ હાર્ટ ફાઉન્ડેશને જણાવ્યું છે કે ૨૦૧૯માં ૨.૪ મિલિયનથી વધુ લોકો શરાબપાનના કારણે મોતનો શિકાર બન્યા હતા, જે કુલ વૈશ્વિક મોતના ૪.૩ ટકા જેટલા છે. એક બાબત સ્પષ્ટ છે કે આલ્કોહોલ સેવનનું કોઈ પણ પ્રમાણ આરોગ્યમય જીવનનથી દૂર લઈ જાય છે.
અલ્પ પ્રમાણમાં શરાબ પીવાથી કાર્ડિયોવાસ્ક્યુલર આરોગ્ય સુધરે છે તેમ જણાવતા અભ્યાસોને અવાસ્તવિક ગણાવી નિષ્ણાતોએ શરાબપાનથી વધી રહેલા મૃત્યુનો ઉપાય શોધવાની હાકલ કરી છે. આ પગલાંમાં શરાબની પ્રાપ્યતા પર નિયંત્રણો, તેના વિજ્ઞાપનો પર ફરજિયાત પ્રતિબંધ તેમજ સારા સ્ક્રીનિંગ અને સારવારની સુલભતાનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હાર્ટ ફાઉન્ડેશનના સભ્ય પ્રોફેસર મોનિકા અરોરા કહે છે કે વાઈબ્રન્ટ સામાજિક જીવન માટે આલ્કોહોલને આવશ્યક ગણાવતા ચિત્રણથી આલ્કોહોલથી થતાં નુકસાન તરફથી ધ્યાન અન્યત્ર વાળવામાં આવે છે. રોજ રેડ વાઈનનો એક ગ્લાસ જેવા મધ્યમ પ્રમાણના ડ્રિન્કિંગથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ સામે રક્ષણ મળે છે જેવા જોરશોરથી પ્રચારિત દાવાઓ લોકોને પોતાના ઉત્પાદનોના જોખમોથી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આલ્કોહોલ ઈન્ડસ્ટ્રીનો સૌથી ખરાબ પ્રયાસ છે. સંસ્થાએ આલ્કોહોલને સાયકોએક્ટિવ અને નુકસાનકારી પદાર્થ ગણાવ્યો છે જેનાથી માનવ શરીરને નોંધપાત્ર નુકસાન પહોંચે છે. જેની સાથે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કેન્સર, પાચનતંત્રના રોગો, ઈજા અને કેટલાક ચેપી રોગો સંકળાયેલા છે.
ફાઉન્ડેશનનો અભ્યાસ કહે છે કે આવા દાવાઓ મુખ્યત્વે નીરીક્ષણોના સંશોધન પર આધારિત છે જેમાં અગાઉની રોગ સંબંધિત સ્થિતિઓ તેમજ શરાબથી દૂર રહેનારાઓમાં આલ્કોહોલિઝમના ઈતિહાસ સહિતના પરિબળો ધ્યાનમાં લેવાતાં નથી. ઓછાં પ્રમાણમાં શરાબપાન અને હૃદયરોગોના નીચાં જોખમ વચ્ચે કોઈ વિશ્વસનીય સંબંધ જોવા મળ્યો નથી.