સરેરાશ વ્યક્તિને એક દિવસમાં ૬,૦૦૦ કરતા વધુ વિચારો આવતા હોય છે! મતલબ કે એક મિનિટમાં મગજમાં ચાર કરતા વધુ વિચાર ઝબકી જાય છે! જાણે મગજને બીજું કોઈ કામ જ ન હોય! કેનેડામાં થયેલા એક નવા સંશોધનમાં આ તારણ નીકળ્યું છે. મગજ સતત વિચાર કરતું જ રહે છે, એ તો સામાન્ય વ્યક્તિ પણ જાણે છે, પરંતુ તેમાં રોજ કેટલા વિચારોનું આવાગમન થઈ જતું હોય એ તો કોણ ગણતું હોય? આપણે તો વિચારી શકીએ... તેને ગણી થોડા શકીએ?! પરંતુ હવે કેનેડાના સંશોધકોએ વિચારો ગણવાનું ભગીરથ કામ પાર પાડયું છે. એટલું જ નહીં, તેઓએ વિચારોના પ્રારંભ અને અંત બંને પોઇન્ટની પેટર્ન કાઢી છે, તેના આધારે મગજમાં ચાલતી એક્ટિવિટી જાણવાનું શક્ય બન્યું છે.
વ્યક્તિના વિચાર માપીને વ્યક્તિત્વની આગાહી
સંશોધકોએ વિચાર શરૂ થાય ત્યાંથી લઇને વિચાર ખતમ થયો ત્યાં સુધી જાણવા માટે એક નવી પદ્ધતિ શોધી છે અને તેના કારણે એક દિવસમાં કેટલા વિચાર આવે છે, તે ગણી કાઢવાનું શક્ય બન્યું છે. માનવી જ્યારે એક ચોક્કસ સમયે વિચાર કરવાનું શરૂ કરે છે, એ ઘડીને વિજ્ઞાનીઓ વિચારનો કીડો ગણાવે છે. ટીમે એ પણ નોંધ્યું છે કે વ્યક્તિના વિચાર માપીને તેના વ્યક્તિત્વ અંગે પણ આગાહી કરી શકાશે એવું વિજ્ઞાનીઓ માને છે. કેટલા વિચારો આવે છે અને એ વિચારોના વિશ્લેષણ શક્ય બનશે ત્યારે એ વ્યક્તિ કેવા વિચારો કરે છે, તેના આધારે તેનું વ્યક્તિત્વ પણ જાણી શકાશે.
વિચારનો કીડો એટલે મગજમાં ચાલતી એક્ટિવિટીની પેટર્ન
કોગ્નિટિવ ન્યૂરોસાયન્સમાં કેનેડાના રિસર્ચર ડો. જોર્ડન પોપેન્ક કહે છે કે, અમે જેને વિચારોના કીડા કહીએ છીએ, એ ખરેખર તો મગજમાં ચાલતી એક્ટિવિટીની પેટર્ન દર્શાવે છે. તેઓ કહે છે કે દરેક ક્ષણે મગજ એ પેટર્નના અવકાશમાં જુદા જુદા બિંદુ રોકે છે. અમારા સંશોધનમાં જણાયું છે કે જ્યારે વ્યક્તિ કોઈ બીજો વિચાર કરે છે, ત્યારે તે નવો કીડો પેદા કરે છે અને તે અમારી પદ્ધતિમાં જાણી શકાયું છે.
મગજની ગતિવિધિની જાણકારી
સંશોધકોની ટીમે દરેક વોલિયન્ટર્સને મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ સિસ્ટમ સાથે જોડ્યા હતા, જેથી વ્યક્તિ કંઇ નિહાળતી હોય ત્યારે તેના મગજમાં શું શું એક્ટિવિટી ચાલી રહી છે તે જાણી શકાય. આ અભ્યાસમાં લોકો શું વિચારે છે તેના કરતા કોઈ ચોક્કસ બાબતે લોકો ક્યારે વિચારે છે એ મુદ્દા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ફિલ્મ જોતાં હોય ત્યારે પણ નવો વિચાર ફૂટી નીકળે!
સંશોધકો કહે છે કે અમે એ પણ નોંધ્યું છે કે જ્યારે લોકો ફિલ્મ જોતા હોય ત્યારે પણ એક નવા વિચારનો કીડો પેદા થઈ શકતો હોય છે. મતલબ કે આ અંગે સઘન અભ્યાસ કરતાં જણાયું કે, વિચારનું સંક્રમણ થાય એમ નવા વિચારનો કીડો પેદા થાય છે. સંશોધકોએ એવો અંદાજ માંડયો છે કે સરેરાશ વ્યક્તિને દરરોજ ૬,૨૦૦ વિચારો દરરોજ આવતા હોય છે. ફિલ્મ જોતાં હોય ત્યારે પણ એ પ્રક્રિયા ચાલુ જ હોય છે.
અભ્યાસ દરમિયાન એક તબક્કે વોલન્ટિયર્સને ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી અને વચ્ચે વચ્ચે આરામનો સમય અપાયો હતો, અને તેમના મનની ગતિવિધિનો અભ્યાસ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ફિલ્મ જોઇ રહ્યા હતા તે સમયે પણ તેમના મનમાં વિચારોના ઘોડા દોડી જતા હતા.