વોશિંગ્ટનઃ જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રકાશિત એક સંશોધન માટે વિજ્ઞાનીઓએ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં બ્રાઝિલના બે લાખ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત આંકડાઓનો અભ્યાસ કર્યો હતો તેના આધારે આ તારણ રજૂ થયું છે. નોંધનીય છે કે કોવિડથી અમેરિકા બાદ બ્રાઝિલમાં સર્વાધિક મોત થયાં છે.
સંશોધનમાં વિજ્ઞાનીઓને માલુમ પડ્યું કે જે લોકોને પહેલાં જ કોરોના થયો છે, તેઓના શરીરમાં ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકા વેક્સિનને કારણે ૯૦ ટકા જેટલી ઇમ્યુનિટી વિકસિત થઇ છે. ચીનની કોરોનાવેક માટે આ આંકડો 81 ટકા હતો અને જોન્સન એન્ડ જોન્સનની એક જ ડોઝ ધરાવતી વેક્સિનની ટકાવારી 58 ટકા હતી.
આ સંશોધન વિશે ભારતના ટ્રાન્સલેશનલ હેલ્થ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદ કુમાર ગર્ગ કહે છે કે કુદરતી રીતે કોરોનાથી પેદા થયેલી શારીરિક ક્ષમતા તેમજ વેક્સિનથી મળેલી ઇમ્યુનિટીને કારણે બનેલી ઇમ્યુનિટી આ વાઈરસ સામે લાંબા ગાળા માટે રક્ષણ પ્રદાન કરે છે. તે ઉપરાંત નવા વિકસિત થતા વાઈરસથી પણ સુરક્ષા આપે છે.
આ જ પ્રકારનું એક સંશોધન સ્વિડનમાં પણ થયું હતું જ્યાં ઓક્ટોબર 2021 સુધી દેશમાં કોવિડના દર્દીઓના આંકડાનો અભ્યાસ કરાયો હતો. તેમાં માલુમ પડ્યું કે જે લોકો કોવિડથી સ્વસ્થ થયા હતા તેઓના શરીરમાં આગામી ૨૦ મહિના સુધી કોવિડ સામે લડવાની વધુ ક્ષમતા હતી. જે લોકોમાં બે વેક્સિન ડોઝને કારણે હાઇબ્રિડ ઇમ્યુનિટી પેદા થઇ હતી, તેઓને ફરી સંક્રમણ થવાનો ખતરો 66 ટકા ઓછો હતો.
કતારમાં પ્રકાશિત એક સંશોધનમાં ઓમિક્રોન પર હાઇબ્રિડ ઇમ્યુનિટીની અસર વિશે જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર વેક્સિનના ડોઝથી BA.2 ઓમિક્રોન વેરિયન્ટ વિરુદ્વ 52 ટકા ઇમ્યુનિટી મળી, પરંતુ જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા તેઓ માટે આ ઇમ્યુનિટીની ટકાવારી 77 ટકા જેટલી ઊંચી હતી.