ન્યૂ યોર્કઃ કામના કલાકો કેટલા હોવા જોઈએ અને અઠવાડિયામાં કેટલા સમય સુધી કામ કરવું જોઈએ એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના એક સંયુક્ત અભ્યાસ અનુસાર અઠવાડિયામાં ૫૫ કલાકથી વધારે સમય કામ કરવું હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો વધારે છે. કોરોનાકાળમાં લોકોની કાર્યપદ્ધતિ અને કામના કલાકોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેવા સમયે આ રિપોર્ટનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
તાજેતરમાં આ રિસર્ચ પેપર એન્વાર્યન્મેન્ટલ ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયું છે, જેમાં લાંબા સમય સુધી પોતાના કામને વળગી રહેવાથી સ્વાસ્થ્ય પર થતી વિપરિત અસર અંગે એનાલિસિસ કરાયું હતું. ‘હૂ’ને ટાંકીને જણાવાયું હતું કે એક અઠવાડિયામાં ૩૫થી ૪૦ કલાક કામ કરનાર વ્યક્તિની સરખામણીમાં ૫૫ કલાક કે તેથી વધુ સમય કાર્યબોજ ઊઠાવનારામાં સ્ટ્રોકનો ખતરો ૩૫ ટકા અને હૃદયસંબંધી તકલીફની શક્યતા ૧૭ ટકા વધારે રહે છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ્સ અને નોકરિયાતોને લોકડાઉન અને ઓછા-વત્તા નિયંત્રણોમાં વધુ ટકી રહેવા માટે કામગીરી માટે વધુ સમય ફાળવવો પડે છે.