એકલતા ખરેખર તમારા હૃદય માટે નુકસાનકારક

Wednesday 22nd August 2018 08:33 EDT
 
 

એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે. આ ઉપરાંત આ લોકો તણાવનો પણ ભોગ બનતા હોય છે, તેવું તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આવા લોકો નિયત સમયે દવા લેવાનું પણ ઓછું પસંદ કરે છે, સરવાળે હૃદયરોગ જેવી બીમારીઓ તેમને ભરખી જાય તેવું જોખમ બેવડાઇ જતું હોય છે.

આ અભ્યાસના મુખ્ય લેખક કોપનહેગન યુનિવર્સિટીના અન્ને વિનગાર્ડે જણાવ્યું હતું કે, આજના સમયમાં પહેલાં કરતાં એકલતા વધુ છે અને પહેલાં કરતાં વધુ લોકો એકલા જીવતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકલતા એ વહેલાં મોતનું મહત્ત્વનું કારણ બની રહી છે. ઉપરાંત એકલતાને કારણે માનસિક આરોગ્ય પણ કથળે છે, તો કાર્ડિયોવેસ્ક્યૂલર દર્દીઓની જીવનની ગુણવત્તા પણ બગડતી હોય છે. આ પ્રકારનું જીવન પુરુષ અને મહિલા બંને માટે મુશ્કેલ બની જતું હોય છે. અમેરિકામાં ૪૫ કે તેથી વધુ વયના અંદાજે ૪૨૬ લાખ પુખ્ત વ્યક્તિઓ એકલી રહે છે, જે કુલ વસતીનો એક ચતુર્થાંશ ભાગ ગણાય. યુકેમાં ૩૯ લાખ લોકો કહે છે કે ટેલિવિઝન તેમના માટે કંપની આપનારું સાધન બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter